પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૯
શરત પૂરી કરી.

કરવાની બાબતમાં મારે આપ જેવા નામદારનોજ દાખલો છે એટલે કાંઈ દૃષ્ટાન્ત ખોળવા જવું પડે તેમ નથી. બધું શહેર જાણે કે મા તમારા મહેલમાં ખુશીથી આવી નથી, ને તે તમારા પ્રેમને ને પૈસાને લાત મારે તેવી છે. એટલે જો તમે તેને અહીં લાવો તો તે તમારા જુલમની ફરીયાદ આ ઉદાર ગૃહસ્થોને કરે ને તેઓ તેને સહાય કરે, માટેજ તમે પાછાં પગલાં ભરોછો.’ આ પ્રમાણે સળગવા માંડ્યું તેમાં ગુલાબસિંહે ઘી હોમ્યું કે ‘ખરી વાત છે, અમીર પોતાના કેદીને અહીં લાવી શકે તેમ છે જ નહિ.’ આવી બોલાબોલી થતામાં અમે બન્ને એટલા તપી ગયા કે પોતપોતાની તરવાર ઉપર હાથ નાખવા લાગ્યા, વાત વધી પડી, મંડલીમાંના અમીર ઉમરાવો પણ જેને જેમ ફાવે તેમ એક કે બીજાનો પક્ષ કરી બૂમો પાડવા લાગ્યા. તરવારો ખેંચાઈ અને જેવો હું મારી તરવાર લઈ ઉમરાવ સામે ધસતો હતો તેવામાં જ ગુલાબસિંહે મારી તરવાર લેઈ લઈ બીજી મારા હાથમાં મૂકી, અને ઉમરાવને કહ્યું ‘તમારો પ્રતિપક્ષી તમારા પ્રપિતાની તરવાર લઈને ઉભો છે. તમે તો કાંઈ વહેમને ગણકારતા નથી, બડા બહાદુર છો, પણ તમે આપણે જે શરત કરી હતી તે ભુલી ગયા છો, માટે યાદ દેવરાવું છું.’ આટલું સાંભળતાંજ ઉમરાવના હોશ ઉડી ગયા, પણ તે હીંમત લાવી મારા ઉપર ધસ્યો. પછી જે ગરબડ મચી તેમાં શું થયું તે મને યાદ નથી; અમે કેવા ઘા કર્યા, શું થયું, કેમ થયું, કાંઈ સ્મરણ નથી, માત્ર એટલું જ સાંભરે છે કે જ્યારે શાન્તિ થઈ ત્યારે મારા પગ આગળ ઉમરાવનું શબ લોહીમાં લદબદ પડ્યું હતું, ને ગુલાબસિંહ નીચો નમી તેના કાનમાં કાંઈ કહેતો હતો. એ બનાવથી બધાની કેફ ઉતરી ગઈ, ને સર્વે અતિ શોક અને પશ્ચાતાપ કરતા વેરાઈ ગયા.

“એ પછી મેં ગુલાબસિંહને જોયો નથી. હું તો એ બનાવની હકીકત કહેવા દરબારમાં દોડી ગયો; અને પુણ્યપ્રતાપ અમરરાજ મહારાજાનો ઉપકાર માનુંછું કે તેમણે યથાર્થ વિચાર કરી મને ક્ષમા બક્ષી.”

આ ઉપરથી વાચનારના સમજવામાં બધો વૃત્તાન્ત આવશે. લાલાજીએ આ તોફાનમાં ભાગ લીધો ન હતો, તેમ તેણે પાન પણ નિયમસર કર્યું હતું. તેમાં મુખ્ય કારણ માત્ર ગુલાબસિંહની વારંવાર ધીમેથી કરેલી શિક્ષાજ હતી. જ્યારે એ બે જણા એ સ્થાનથી દીવાનખાનામાં જઈ એકલા પડ્યા ત્યારે લાલાજીએ પૂછ્યું “આ બનાવ મે શી રીતે જાણી શકયા હતા ? તમે જાતે તો કાંઈ કર્યું નહિ ?”