પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૦
ગુલાબસિંહ.


“જે સેનાની વિજય મેળવે છે તેણે જાતેજ લઢવું જોઈએ એમ નિયમ નથી. પણ હવે ગઈ વાત ને ગયા મનુષ્ય જોડે જવા દે. તારે જો અમારી ગુપ્ત વિદ્યાનો ખપ હોય તે મુના તટ ઉપર જે ટેકરે ભવાનીનું મંદિર છે, તેની પાસે મધ્યરાત્રીએ મળજે. મરજી હોય તો ત્યાંજ તને ગુરુ પણ ભેગા થશે. હાલ તો જા — મારે હજી અહીં કામ છે. મા અહીંજ પરાયલી છે.”

લાલાજી જતો હતો તેવામાં મુખ્ય ખવાસ જેને આવને આવતે ગુલાબસિંહે કાનમાં કાંઈ કહ્યું હતું તે આવ્યો. ગુલાબસિંહે તેને કહ્યું “ભાઈ ! તારો ધણી હવે છે નહિ; તેમ તારા નવા ધણીને તારૂં કામ નથી, કેમ કે તે સદ્‌ગુણી ને ડાહ્યો છે. તારે તારૂં સંભાળવાનું છે, હું તને જવા દઉંછું, નહિ તો તેં જે પેલો વિષમય દારૂ મને પાયો છે તે માટે હું તને અત્યારે ગરદન મરાવી શકું એમ છું. ગભરાવાનું કારણ નથી. એ દારૂથી મને કાંઈ થવાનું નથી; એટલુંજ કામ કર કે મા જ્યાં હોય ત્યાં હવે મને લેઈ જા. તારે તેનું કામ નથી, ને મારે તેની બહુ જરૂર છે — ઉતાવળ કર, મારે જવું છે.”

મનમાં કોણ જાણે શું બડબડતો ને ધ્રૂજતો ખવાસ આગળ થયો, ને ગુલાબસિંહને મા પાસે લઈ ગયો.