પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૧
નવો શિષ્ય

પ્રકરણ ૧૮ મું.

નવો શિષ્ય.

મધ્યરાત્રી થવાને એક ઘડીની વાર હતી. લાલાજી ઠરાવેલે ઠેકાણે આવી ચૂક્યો હતો. ગુલાબસિંહે એના ઉપર જે અસર કરી હતી, તે ગતરાત્રીના વૃત્તાન્તથી સુદૃઢ થઈ હતી. જે બનાવ બન્યા તે કેવા સ્વાભાવિક, કેવલ આકસ્મિક, છતાં એણે ભવિષ્યરૂપે જાણેલા હતા ! આ અતિચમત્કૃતિમય વિલક્ષણ પુરૂષ નિર્જીવમાં નિર્જીવ વસ્તુને પણ પોતાનો સંકલ્પ સાધવાનું સાધન કરવાને સમર્થ છે ! એમજ છે, ત્યારે રમાને લઈ જવાજ કેમ દીધી ? ગુનેગારને દંડવા કરતાં ગુનોજ કેમ ન અટકાવ્યો ! શું ગુલાબસિંહ રમાને પ્રેમ દૃષ્ટિથી જોતો હતો ? પ્રેમ છતાં, તે પ્રેમપાત્ર બીજા આગળ ધરે ! એવા પ્રતિપક્ષીને આપે ! કે જેને પોતાના અગાધ સામર્થ્યથી સહજમાં નમાવી શકે ! ગમે તેમ હો—પણ લાલાના મનમાં પૂર્વે જે વિચાર થયેલા તે તો હવે થવાજ અશક્ય હતા. મા અને ગુલાબસિંહ કોઈ યુક્તિથી એને છેતરીને ફસાવે છે એમ સમજવું માત્ર કલ્પના જ હતી. ત્યારે લાલો પોતે મા ઉપર પ્રેમગ્રસ્ત છે ? ના, લાલાજીની વૃત્તિ અત્યારે કોઈ જુદી જ વાત ઉપર નિરુદ્ધ છે. જુગાર રમવાનો જેને ચડસ લાગે છે તેને બીજું કશું સુજતું નથી, તેને કશી ખબર પડતી નથી, જે હાથ આવે તે ઉડાવી દેઈને પણ પોતાની રમવાની ચેળ મટાડે છે, એમજ લાલાજીને હતું. ગુપ્તજ્ઞાનના અભેદ્ય પટને ઉંચો કરી તદંતરિત ગુહ્યાગારનાં દર્શનમયજ એનો જીવ થઈ ગયો હતો. બીજા કોઈ વિચારને અવકાશ ન હતો. એને ગુલાબસિંહ જેવા થવું હતું. નહિ કે પ્રેમમાં, પૈસામાં, કીર્તિમાં–પણ તે અભેદ્ય અલૌકિક શક્તિ જે તેનામાં હતી તે પામવી હતી. લોકથી જેને લીધે એ વિદેશી વિલક્ષણ જણાતો તેનું રહસ્ય પ્રાપ્ત કરવાને લાલાજી પોતાનો જીવ પણ સુખે આપવા તૈયાર હતો. રાત્રી ઘણીજ શાન્ત અને મધુર હતી; ચંદ્રનો પ્રકાશ શાન્તિને અધિક શેભાવતો હતો. ભવાનીના ભવ્ય ધામને દૂરથી યમુનાના ચંદ્રપ્રભાયુક્ત તરંગ પણ પુષ્પશોભિત અર્ધ્ય આપતા હતા. લાલાજી ધીમે ધીમે દેવળની પશ્ચિમ બાજુએ એક પીપળા નીચે આવ્યો. ત્યાં એણે એક પુરુષને મહોટો ઝભ્ભો વીંટાળીને ઉભેલો, તથા અતિ પ્રગાઢ શાન્તિથી ઠરી રહેલે દીઠો, લાલાએ ગુલાબસિંહ કરી ટૌકો કર્યો તેવોજ તે પુરુષ તેના તરફ વળ્યો. એણે કોઈ