પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨
ગુલાબસિંહ.

બીજા જ વિદેશીને જોયો. એ વદન ગુલાબસિંહના જેવું સુંદર નહિં પણ તેટલુંજ ભવ્ય, અને કેવલ સત્ત્વવૃત્તિની અભેદ્ય મુદ્રાએ અલંકૃત વિશાલ ભાલ સહિત, અતિ ઉંડી અને ભેદી નાખે તેવી આંખોએ શોભતું હોવાથી વધારે સામર્થ્યવાળું હતું.

“તમે ગુલાબસિંહને શોધો છો” પેલા પુરુષે કહ્યું “તો તે હવણાં અહીં આવશે; પણ જે અત્યારે તમારી સમીપ છે તેજ તમારા ભવિષ્ય જોડે વધારે નિકટ સંબંધ ધરાવે છે, ને તમારી આશા પૂર્ણ કરવા વધારે ખુશી છે.”

“ત્યારે શું પૃથ્વી ઉપર બે ગુલાબસિંહ છે ?”

“જો ન હોય તો તમે પોતેજ બીજા ગુલાબસિંહ થવાની શ્રદ્ધા કેમ કરી શકો છો ? યુવાવસ્થાના તરુણ આત્મપ્રસાદમાં એવી વાંછના ન અનુભવી હોય એવો કોઈકજ પુરુષ હશે કે આ બ્રહ્માંડમાં કાંઈ ગુપ્ત ચમત્કાર છે, ને તે ચમત્કાર સમજવો આવશ્યક છે. જે અવર્ણ્ય ચમત્કૃતિથી આ વિશ્વ પૂર્ણ છે તેનું ગાન અતિ સુશ્લિષ્ટ અને મધુર છે. આત્માના અંતરંગ વ્યાપારમાં તેનો ધ્વનિ પ્રતીત થાય છે. માનુષહૃદયમાં જે જે વાંછના ઉઠે છે, જે જે ઉદ્‌ગાર થાય છે, તે બધાં કોઈક અચિન્ત્ય વિશ્વની તાદૃશ રચનાનાં પ્રતિબિંબ છે. એ રચના તેજ પરમ સત્તા છે, બીજું મિથ્યા છે. અનન્ત યુગ અને કલ્પ વહી ગયા તેમાં એ સિદ્ધસત્તામાં જ રમનારા અનેક મહાત્મા થઈ ગયા છે, ને થશે. ગુલાબસિંહ તેમના આગળ કોણ માત્ર છે ?”

“ત્યારે હું પૂછું છું કે એવા અનંત મહાત્માઓ, જેના આગળ ગુલાબસિંહ કાંઈ નથી તેમાંનો તમે એક છે કે નહિ ?”

“આ શરીરમાં તમે એક એવો પુરુષ દેખો છો કે જેની પાસેથી ગુલાબસિંહ કેટલીક ગુપ્તવિદ્યા શીખ્યો છે. આ ભૂમિ ઉપર હું એટલા કાલથી છું કે જે કાલની ગણના તમારા ઇતિહાસ અને પુરાણ લખનારા કરી શકતા નથી. આર્ય ઋષિઓ, કૌરવ, પાંડવ, રામ, કૃષ્ણ સર્વને મેં દીઠા છે. એ ઋષિઓ કે જેમની ઉત્પત્તિ અને સ્થિતિ કૃતિ વિષે આજના પંડિતો અનેક કુતર્ક કરે છે તે ખરા મહાત્મા જ હતા. તેમણે વિશ્વરચનાનાં ગાનમાત્રથીજ વેદ ભર્યા નથી, પણ તેમણે મહા ગહન ગુપ્ત વિદ્યાના ભંડાર તેમાં સાચવેલા છે. તે પોતે પણ મરી ગયા નથી. કૌરવ અને પાંડવ તથા રામ