પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬
ગુલાબસિંહ.


“અરે શિષ્ય ! તારૂં પ્રથમ કર્તવ્યજ એ છે કે તારે અન્ય ઉપરથી તારા સર્વ વિચાર અને આવેશ પાછા ખેંચી માત્ર તારા પોતાના ઉપર સ્થાપવા. પ્રથમ ક્રમ એજ છે કે પોતાના આત્માને જ સર્વસ્વ ગણી તેમાંજ ઠરવું. હું તને પ્રત્યેક વાતનાં કારણ આપનાર નથી, કેમકે આ માર્ગમાં શિષ્યે કારણો પોતાની મેળે સમજી લેવાં એજ ક્રમ છે, પરંતુ કેવલ આત્મસ્થ થઈ બીજે બધેથી વૃત્તિ ઉઠાવી લેવાની વાત તને હવણાં સ્વાર્થ જેવી લાગે નહિ, ને તું નવો છે તેથી નિરાશ થાય નહિ, માટે કહું છું કે એ રીતે આત્મા સ્થિર થાય ત્યારે જ તેમાં સમગ્ર વિશ્વનું પ્રતિબિંબ પડી શકે છે; એ પ્રતિબિંબ જોવાતાંજ શાન્તિનું દિવ્ય ગાન સંભળાય છે; આત્મા તે આ એક શરીરસ્થ ચેતન (જીવ) એવો ભ્રમ મટી જઈ સર્વમયતા આવે છે. આવી પ્રાપ્તિને તું ઈચ્છે છે; તેં તારો માર્ગ નક્કી કર્યો છે, તેં પ્રેમ, પ્રતિષ્ઠા, પૈસો, પટલાઈ સર્વ તજ્યું છે હવે વિચાર શાને ? બધો સંસાર તારે ક્યાં છે ? તારી બુદ્ધિને તીક્ષ્ણ કરવી અને તારા આવેશને એકત્રિત કરવા એજ તારૂં હવે કર્તવ્ય છે.”

“એનું ફલ સુખ છે ?”

“સુખ એવું જો કાંઈ હોય તો તે એવા આત્મામાંજ છે કે જેને આવેશમાત્રનો અભાવ છે. સુખ એ તો છેલ્લી ભૂમિકામાં છે, તું તો હજી પ્રથમ ક્રમગામી છો.”

આ વાર્તા થતા થતામાં પેલી હોડીના શઢ પણ દૃષ્ટિ બહાર ગયા, અને ગુરુશિષ્ય શહેર તરફ વળ્યા.



તૃતીય તરંગ સમાપ્ત.