પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૮
ગુલાબસિંહ.

અસમર્થ છું. મારાથી અગમ્ય એવી કોઈ સમર્થ શક્તિ મને દોરે છે, તેના સામર્થ્યને મારાથી પ્રતિકૂલ થવાય એમ નથી. મેં જે આદર્યું છે તેમાં હવે તો अर्थं साधयामि वा देहं पातयामि એમ થયેલું છે. મારા વિષે હવે વિચા૨ કાઢી નાખ; તારા વિચાર તારા પોતાના ભલા માટે કામે લગાડ, ને સુખી થા. અને મને વિશ્વાસ છે કે હું હવણાં જે પ્રાપ્ત કરીશ તે આજ નહિ તો કોઈ વારે કામ તો આવશે જ.”

“આનું નામ શું ? બેવફાઈ, મૂર્ખાઈ, ગાંડાઈ ! હાથમાંની વાત પડતી મૂકી હવામાં કિલ્લા બાંધનારને શું કહેવાય ? તારું શરીર તો જો, એક મહીનામાં તો જાણે વરસનો મંદવાડ ખાઈને ઉઠ્યો હોય તેવો જણાય છે ! ચાલ, મારી સાથે ચાલ; હું જઈશ તો પછી તેને સારે રસ્તે ચઢાવનાર કોઈ રહેશે નહિ, તારા તરંગ અને પેલા લુચ્ચાની યુક્તિઓનો તું ભોગ થઈ પડીશ.”

“બસ” લાલાએ કરડે સ્વરે ઉત્તર આપ્યું “તારા મનમાં એકજ વાત ઉપર જે વલન છે તે તરફ જ્યારે તું આટલો બધો નમીને બોલે છે ત્યારે તારી શીખામણ મારે કશા કામની નથી. મને આ પુરષના — જો તે પુરુષ હોય તો — યોગબલની અનેક સાબીતીઓ મળેલી છે; અને મને જે રસ્તો ગમ્યો છે તે રસ્તામાં જીવ જવાનો હોય તો જાઓ પણ ત્યાંથી હું પાછો તો વળનાર નથી. બસ, રામલાલ ! રામરામ. તને જો એવી ખબર મળે કે આ સ્થલે કે પેલા ડુંગરમાં લાલાજીની રાખ થઈ ગઈ તો આપણા સંબંધીને કહેજે કે એણે અતિ ઉત્તમ કાર્યમાં પોતાના પ્રાણનો હોમ આપ્યો છે, ને એ, બીજી અનેક યોગમાર્ગગામીની પેઠે તત્ત્વનિર્ણય કરવામાં મરણ પામ્યો છે. અને મરણથી એટલો બધો ડરે છે શા માટે ? વિશ્વવ્યવસ્થાજ એવી છે કે આપણા વિચારનો એક સંસ્કાર સરખોએ વ્યર્થ જતો નથી; જ્યારે ધારેલો નિશ્ચય સિદ્ધ કરવાનાં સાધન શિથિલ થઈ જાય છે ત્યારે તેમને તાજાં કરવાને જે આરામની આવશ્યકતા છે તેજ મરણ છે. નિત્યની નિંદ્રા જેમ આપણને તાજા કરે છે તેમ મરણ પણ આપણને આપણા કર્તવ્ય માટે તાજા કરે છે. કરેલો નિશ્ચય તાજા થઈને પાછો આપણે બીજા જન્મમાં આગળ ચલાવીએ છીએ. મારો નિશ્ચય થઈ ચૂક્યો છે, આ જન્મે કે અનેક જન્મે તે હું સિદ્ધ કરીશજ; એમ કરતાં એક બે કે પાંચ પચાસ મરણ થાય તો પણ શું ?” આટલું બોલી રામલાલને ભેટી રામરામ કરીને લાલાજી