પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૯
રહસ્ય શીખવાની શાલા.

ચાલતો થયો. બજારને બીજે છેડે પહોંચતાં જેવો એક ગલી તરફ વળે છે તેવોજ એને બંદો સામો મળ્યો.

“અહો ! લાલાજી ! બહુ દિવસે મળ્યા; એક મહીનો થયો. ક્યાં સંતાઈ ગયા હતા ? શા કામમાં હતા ? કાંઈ લેઈ બેઠા છો કે શું ?”

“હા.”

“હું તો હવે અહીંથી બોખારા તરફ જવાનો છું; મારી સાથે આવશો ? સર્વ પ્રકારની ચતુરાઈને તે સ્થલે માન મળે છે.”

“તમારો બહુ ઉપકાર થયો, પણ મારે હાલમાં બીજાં બહુ કામ છે.”

“આમ શું કરો છો, ભાઈ ! આજ તો તમે કાંઈ બોલતા પણ નથી. પેલી નાયિકાના જવાથી આટલો બધો શોક શા માટે ધરો છો ! મારી પેઠે કરો. મેં એક બીજી મેળવી લીધી છે — અહા કેવી સુંદર ! પ્રવીણ ! ને વળી કશી છું છાં નહિ.” બંદાએ આંખનો અણસારો કરી ઉમેર્યું, ને બોલતો ચાલ્યો કે “આપણે તો એનાથીજ હવે નીરાંત થશે એમ માનીએ છીએ. પણ પેલો ગુલાબસિંહ !”

“એનું શું ?”

“જો મારે કોઈ વાર એકાદ કલ્પિત ચિત્ર કાઢવું હશે, તો હું એનીજ આકૃતિ લેઈ રાક્ષસરૂપે તેને ચીતરીશ – ચીતારાનું વેર એ રીતેજ વળે; ને બા ! દુનીયાં પણ શું કરે છે ? લોકને જેના ઉપર દ્વેષ હોય તેના પ્રતિ કાંઈ વળે નહિ; ત્યારે તેની છબીને તો રાક્ષસ જેવીજ નિરૂપવાને ચૂકવાના નહિ. જેને લોક ધિક્કારે છે તેને પોતાના ધિક્કારને યોગ્ય થાય તેવે રૂપેજ ચીતરે છે. ખરેખર ! એને તો હું બહુજ ધિક્કારૂં છું.”

“શા માટે ?”

“શા માટે ? જે સ્ત્રીને મારી પત્ની તરીકે ને દ્રવ્યનો ઢગલો લાવનારી તરીકે મેં નક્કી કરી હતી તેને એ લેઈ ગયો નથી ? છતાં પણ મને તો એમજ લાગે છે કે એણે કદિ મને હાનિ કરવાને બદલે લાભ કર્યો હોત તો પણ હું એના ઉપર એટલો જ દ્વેષ રાખત. એની આકૃતિ ને એનો દેખાવજ મને પ્રતિકૂલ વિચારો પેદા કરે છે. મને લાગે છે કે હજી આપણે એક વાર મળીશું. ચાલો ત્યારે સલામ આલેકુમ ! હું તો મારે ઘેર જઈશ.”