પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧
રમા રાસધારીઓમાં.

તે વળી કીયે દિવસે એવા ઘરકામમાં જીવ ઘાલું છું.” પણ ગણિતમાં આવી તન્મયતા થઈ જાય છે તે સંગીત આગળ કાંઈ નથી. કોઈ વિદ્યાર્થીએ એક પ્રખ્યાત ગંધર્વને પૂછ્યું કે “સરંગી બજાવવાનું શીખતાં કેટલો વખત લાગશે” ત્યારે તેણે જે જવાબ દીધો તે તમને ખબર છે ? જેના આગળ અર્જુન કે લક્ષ્મણની કમાનનો પણ હિસાબ નથી એવી આ કમાન જે ચ્હડાવવા ઈચ્છતા હોય તે એ ગંધર્વનું કહેલું સાંભળીને નિરાશ થશે કે “દરરોજ બાર કલાક પ્રમાણે વીશ વર્ષ.” આ જાતની સરંગી જેને હાથ થઈ હોય તે શું નિરંતર પોતાનાં છોકરાં પછવાડે ભમ્યાં કરે ? નહિજ. સરદાર ! બીચારી રમા પોતાના બાલપણાના વખતમાં તું એને ચહાતો નથી એમ ઓછું લાવીને ઘણી વાર એકાંતમાં બેઠી બેઠી રડતી. આમ બનતું તો પણ બહારથી જણાતી આ બેદરકારીની અંદર એનો પ્રેમ તેવોને તેવોજ હતો, ને તેથી જ આખરે જેવો એ તરંગી હતો તેવી એની દીકરી પણ થઈ અને એક એકને સારી રીતે સમજી શક્યાં. પોતાને તો કીર્તિ મળનાર ન હતી પણ આજ દીકરીની જે કીર્તિ થાય તે પોતેજ ન જોઈ શકે, ને તે ન જોવા દેવાના કાવતરામાં તે દીકરીજ સામિલ ! સર્પના દંશ કરતાં પણ વિશેષ સખ્ત એને આ અપકાર લાગ્યો અને તે જ એની સરંગીમાંથી પ્રકટ થતો હતો.

ઘણા વખતથી ધારી રાખેલો આ મહત્વનો દિવસ આવ્યો. રમા રાસભવનમાં ગઇ; તેની મા તેની સાથે ગઈ; પણ કોપિત ગવૈયો તો ઘેરજ રહ્યો. તેમના ગયા પછી તુરતજ દાસી સરદારના ઓરડામાં દોડતી આવી ને કેહેવા લાગી કે “આપણા અમીરની ગાડી બારણા આગળ ઉભી છે, આપને તેડવા આવી છે. તેમણે કહેવરાવ્યું છે કે તમારે તમારી સરંગી ઘેર મૂકતા આવવી અને કીનખાબનો ડગલો પેહેરી, તથા મંડીલ બાંધીને આવવું; હું આ સઘળો પોશાખ લાવી છું; જલદીથી આપ પહેરીને પધારો.” ગાડી ગડગડાટ ચાલી ગઈ. સરદાર મનમાં ગુંચવાઈ ગુંચવાઈને બહાવરો બની ગયા જેવો થઈ રહ્યો, રાસગૃહ આગળ ઉતર્યો, અંદર ગયો, પણ પોતાની આસપાસ ગાંડાની પેઠે જોયાં કરતો હતો, કે સરંગી કયાં ગઈ ! અરેરે ! એનો પ્રાણ, એનો સ્વર, એની પોતાની જાતજ, ઘેર રહી ગઇ ! જેમ કોઇ કૃત્રિમ પૂતળાને ખેંચી જાય તેમ માણસો એને અમીરની પાસે લેઈ જઇને બેસાડી આવ્યાં. પણ ત્યાં જઈને બેઠા પછી એની નજરે શું પડે છે ! સ્વપ્નમાં પડ્યો છે કે જાગતો