પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૦
ગુલાબસિંહ.

“અને હું પણ આ ચાલ્યો; આલેકુમ સલામ !”

પણ લાલાજીનું ઘર ક્યાં હતું ? દિલ્હી શહેરની બહાર, હિમાલયની એકાન્ત તળેટીમાં, લાલાજી શહેર બહાર નીકળ્યો, ઘોડે બેશીને રસ્તે પડ્યો. વચમાં કેવી મુસાફરી કરી તેનું વર્ણન કરવાની જરૂર નથી; લાલાજીનું અંતઃકરણ કેવલ ત્સ્યેન્દ્ર અને તેણે બતાવેલી વિદ્યા ઉપર નિતાન્તગ્રસ્ત હતું, તેથી તેણે કાંઈ જોયું ન હતું, કાંઈ વિચાર્યું ન હતું. બે ત્રણ દિવસે જ્યારે તે ઠરાવેલા સ્થલની છેક લગભગ આવ્યો ત્યારે એકાએક એક નાના સરખા ગામડાને સીમાડે કેટલાક જંગલી પણ અતિ મલિન દુર્દશામાં હોય એવા જણાતા લોકોના “રામ રામ” એવા પોકારથી ઝબકી ઉઠ્યો. એજ વખતે એણે ચોતરફ નજર કરી તો એને પૃથ્વી પોતાનાથી બહુ નીચે ગયેલી સમજાઈ દૂરમાં રમતી નદીઓના સ્ત્રોત લીટા જેવાજ જણાવા લાગ્યા, ઉપર જોતાં ભવ્ય શ્વેત અને કાળી અનેક વિકલ વિભીષિકાઓ લટકતી જણાઈ. પેલા લોકોને કોઈ ગરીબ ભીખારી જાણી લાલાજીએ આશરે પાંચ મહોરો જેટલું છૂટું નાણું તેમના તરફ મૂઠી ભરીને ફેંક્યું અને ગામમાં પેઠો. વચમાં આવતાં જ એક બાજુ પરના ઝુંપડામાંથી એક વીશેક વર્ષની વયનો જવાન સુરવાળ અને ટુંકો જામો પહેરેલો તથા નાનો સરખો પણ વાંકો કેશરી શિરપેચ બાંધેલો બહાર આવ્યો. એનું વદન સંકુચિત અને અનેક અયોગ્ય વિચાર આચારથી માલિન્ય પામેલું હોય તેમ બહુ વિલક્ષણ હતું. ભારે થોભા અને સજડ બુકાની, તથા કમ્મરે કસેલો જમઈઓ અને હાથમાં પકડેલી કમાન, એ સર્વ વિચારતાં એના ધંધાનું અનુમાન થઈ શકતું હતું. ગામમાં ભાગ્યેજ એક પણ એવું ઝુંપડું હતું કે જેને ઘર કહી શકાય, ને તેમાં વસનારાં પણ તે ઝુંપડાને શોભે તેવા દેખાવવાળાં, છતાં વૃત્તિએ કોઈ જુદાજ કામમાં પડેલાં માણસ હતાં. આ માણસ તેમનો નાયક હતો. તેણે આપણા મિત્રને દેખતાંજ “ऑंततसत्” એટલા શબ્દો એના એકલાથી સંભળાય તેમ કહ્યા, એટલે લાલાજી તુરત અટક્યો, લાલાજીએ આ વિલક્ષણ આકૃતિને થોડીક વાર નીહાળ્યા પછી “સિદ્ધાલય”નો માર્ગ પૂછ્યો. આ પ્રશ્ન પૂછતાની સાથે જ પેલા માણસે બહુ નમ્રભાવે હાથ જોડી નમસ્કાર કર્યો, અને પાસે આવી બોલ્યો : “ત્યારે તો મારા ધણીએ જે અમીરના આવવાની વાત કરી છે તે આપજ હશો ?” લાલાજીએ હા કહેવા માટે ડોકું જરાક નમાવ્યું, એટલે આ માણસે આઘા ખશી મહોટેથી બૂમ મારી બધા ગામના લોકોને પાસે બોલાવ્યા અને બોલ્યો “ મારા દોસ્તો ! આપણા ધણીએ જે આજ્ઞા કરી છે તે આમને માટે જ છે. એમના એક વાળને પણ