પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૧
રહસ્ય શીખવાની શાલા.


જે કોઈ ઈજા કરશે. તેને શું થશે તે તમે બધા સારી રીતે જાણો છો. વળી સર્વેને ખાતરી થવા માટે, તથા અહીંથી દૂર જતાં પણ એમને કોઈ અડચણ કરી ન શકે માટે હું એમને ગળે આ માલા પહેરાવું છું.” આટલું કહેતાં તેણે મહોટા રુદ્રાક્ષની માલા આપણા લાલાજીને પહેરાવી, ને તે વેળે પેલા સાંભળનારા એને નમન કરવા લાગ્યા. “આ સ્થાનની જે ગુપ્ત સંજ્ઞા છે તે તો હું એમને કહી ચૂક્યો છું, ને એમ તમારા પ્રતિ એમને શો અધિકાર છે તે તમને સમજાવું છું.”

આટલું કર્યા પછી પેલા માણસે લાલાજીને કહ્યું “મહેરબાન ! આપની પાસે કાંઈ નાણું હોય તે તેમાંથી આ લોકોને આપની પ્રીતિના ચિન્હ તરીકે કાંઈક દાન આપો.” લાલાજીએ આવું સાંભળતાંજ પોતાની કોથળી તે ટોળા ઉપર ફેંકી જે તેમનામાં વેરાઈ ગઈ, અને લોકો બૂમો પાડતા, કૂદતા, મારામાર કરતા, તે વીણી લેવા લાગ્યા. આટલું થયા પછી લાલાજીએ જે રસ્તો પૂછ્યો હતો તે રસ્તે જવા માટે પેલો માણસ તૈયાર થયો અને બન્નેએ ચાલવા માડ્યું.

રસ્તે જતાં પેલા માણસે કહ્યું “આપને આ આવકાર મળશે એવી આપે આશા નહિ રાખી હોય.”

“શા માટે નહિ ? કેમકે જે પુરુષ પાસે હું જાઉં છું તેણે આ પ્રદેશની વસ્તિની વાત મારાથી છાની રાખી નથી. તમારૂં નામ શું ?”

“નામમાં શી વિસાત છે; હું એ ઉપર કાંઈ વજન રાખતો નથી. આ ગામમાં તે મારૂં નામ ગુરુદાસ છે. મારું નામ ! હા, તે હતું, પણ તેને તો હું અહીંઆં આવી વસ્યો ત્યારથી વિસરી ગયો છું.”

“એમ કરવાનું કારણ શું ? વિરાગથી, કે દરિદ્રતાથી, કે કોઈ દંડનીય આવેશકર્મથી, શાથી તમે અહીં આવી વસ્યા છો ?”

“મેહેરબાન !” પેલા નાયકે કહ્યું “મારા વર્ગના લોક પોતાનાં પાપ સંભારીને કવચિત્‌જ પ્રાયશ્ચિત લેવું ઉચિત ધારે છે; પણ આ સ્થલે શું તે વખતે મારે કાંઈ પણ ગુપ્ત રાખવાની જરૂર નથી, કેમકે મારી સીસોટી મારા ખીસામાં છે, કમાન મારા હાથમાં છે. હું અને મારી મા છેક દક્ષિણમાં રહેતાં હતાં, અને હું – મહારાજના પુત્રની રાખનો દીકરો હતો. જેમ