પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨
ગુલાબસિંહ.

જેમ હું મહોટો થયો છું તેમ તેમ મને ભણાવવા ગણાવવામાં લાલજી મહારાજે સારી સંભાળ લીધી હતી ને મને અને મારી માને હંમેશાં પુષ્કલ પૈસા આપતા હતા. કાલ જતાં લાલજીના પિતા મરી ગયા એટલે તે પોતે ગાદીપતિ થયા, અને મારી ને મારી મા સાથે સંબંધ રાખતાં શરમાવા લાગ્યા. એવામાં મારી મા મરી ગઈ. મને તેમણે એક હજાર રૂપૈયા આપી એક વાણીઆને ત્યાં ગુમાસ્તી બેસાર્યો. મને ગુમાસ્તી કરતાં પ્રીતિ વધારે ગમતી હતી, તેથી પ્રસંગે પ્રસગે વાણીઆની દીકરીનું ઓળખાણ કર્યું અને તેને લઈને નાશી જવાનો વિચાર ઉઠાવ્યો. પણ વાણીઓ ચેતી ગયો તેથી ત્યાંથી આપણે તો પેલા રૂપીઆ એમના એમ મૂકીને નાશી છૂટ્યા. રખડતાં રખડતાં ઓંકારની ઝાડીમાં નર્મદાને કાંઠે આવી કેટલાક ભીલની ટોળી ભેગો ભળ્યો. તે લોકો મુસાફરોને લૂંટી લેવાનો ધંધો કરતા, તે મને ગમ્યો અને હું તેમના ભેગો રહ્યા. પણ થોડેક દિવસે મને મુખ્ય અધિકાર ભોગવવાની ઈચ્છા થઈ તેથી બધા ટોળાના લોકોને સમજાવી અમે નાયકની સામે બળવો કર્યો અને તેને મારી નાખ્યો. પછી હું એ ટુકડીનો રાજા થયો. ધંધામાં થોડા પૈસા પણ કમાયો. પણ શેરને માથે સવા શેર હોય છેજ. એક દિવસ અમે પાંચ સાત જણ લૂંટનો ભાગ વહેંચવા બેઠા હતા, ને બીજા, કોઈ મુસાફરની શોધ કરવા ગયા હતા, એટલામાં વિંધ્યાચલના જબરા લૂંટારાની ટોળી અમારા ઉપર આવી પડી. મારામાર થઈ, પણ તેમાં હું પકડાયો. મારે તો આમ કે આમ ધંધો એનો એજ હતો એટલે હું એ લોકોના ભેગો ભળી ગયો. તે લોકો દેવીભક્ત હતા અને માણસોને પકડી લાવી તેમને લૂંટી લેતા અને દેવીને ભોગ આપતા. એક વખત એક વણજારાની આખી વણજાર અમે લૂંટી, પણ માણસો હાથ આવ્યાં નહિ; અને તે પછી બે ચાર દિવસે એક સુંદર સ્ત્રી ભોગ આપવા માટે અમે લાવ્યા. પેલી લૂંટમાંથી મારે હાથ પૈસા આવ્યા હતા, અને આ સ્ત્રીને દીઠી એટલે મને પાછા પ્રીતિના ને પરણવાના વિચાર ઉઠવા લાગ્યા; રાતે જલ જંપ્યું તે વખતે પેલી સ્ત્રીને દેવીના મંદિરમાંથી છાને માને છોડવવાને મિષે કાઢી આણી, અને પછી અમે નાશીને પ્રયાગ આવ્યાં, ત્યાં પેલી બાઈને મેં ઘણી ઘણી રીતે સમજાવી પણ તેણે પરણવાની કબુલત આપી નહિ; હું એક દિવસ ગામમાં ફરતો હતો તેવામાં પેલા વણજારાનો નાયક મારા મોં આગળ આગળ આવીને ઉભો અને “ચોર, ચોર” કરી બમો પાડવા લાગ્યો, તેથી લોકનું ટોળું ભરાઈ ગયું. મેં ઘણીએ યુક્તિઓ કરી, આડાં અવળાં વચનો