પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૩
રહસ્ય શીખવાની શાલા.

ગોઠવ્યાં, પણ કાંઈ વળ્યું નહિ, ને રાજાને ત્યાં મને લેઈ ગયા. મારો નીકાલ થાય તે પહેલાં મને કેદમાં રાખેલો હતો; તે ગંગાના કીનારા ઉપર હતી. એક રાતે બારીએથી પાણીમાં ભુશકો મારી હું નાઠો, તણાતો તણાતો છેક ગયાજીમાં નીકળ્યો. મારી પાસે કાંઈ હતું નહિ, વેષ બદલી ભીખ માગતો માગતો પાછો પ્રયાગ આવ્યો – કેમકે પેલી સ્ત્રીની લત મને છૂટતી ન હતી. પણ તે તો મરી ગઈ હતી, કોણ જાણે મારે માટે જ મરી ગઈ હશે — પણ હવે મને એ ઠેકાણે રહેવું સારું લાગ્યું નહિ. પાસે ખાવાનું ન હતું તેથી પાછા મારા પિતા – મહારાજ, મને સાંભર્યા. હું પાછો દક્ષિણમાં ગયો અને મહારાજને પગે લાંબો થઈને પડ્યો. મહારાજ કહે કે તુ કોણ છે ? મે કહ્યું આપનું છોકરૂં. મહારાજ મારા સામે જોઈ રહ્યા અને બોલ્યા કે બધું જગત્ મારૂ છોકરૂ છે, પણ લે આ આ રૂપૈયા લેઈ જા, અને યાદ રાખ કે એક વાર માગે તેને ખાવાનું મળે છે, ફરી ભાગે તેને કેદખાનું સાંપડે છે. આટલું સાંભળી આપણે ચેતી ગયા. અને પાછા પ્રયાગ તરફ ચાલ્યા. રસ્તામાં મને કેટલાક ઠગ લોકોનો સંગાત થયો, તે ભૂતીયા તરફ જતા હતા, હું પણ તેમની સાથે ચાલ્યો. તેમની જોડે કેટલીક વખત રહ્યા પછી, મે મારે માટે આ સ્વતંત્ર ગામ સ્થાપ્યું છે, ને હું હવે અહીંજ રહું છું. મારે હવે ચોરી કરવાની જરૂર પડતી નથી, કોઈ વાર ગંમત માટે કરૂ છું.”

“ત્યારે” લાલાજી જેને આ વાત સાંભળી બહુ અચંબો લાગ્યો, તથા રામલાલે કહેલી વાતોનો કાંઈક ભણકારો વાગવા માંડ્યો તેણે પૂછ્યું “ત્યારે તમે તમારા ધણીને ક્યાંથી એાળખો છો ? અને તેની અને તમે તથા તમારાં માણસની વચ્ચે આવી સલાહ શાથી નીભે છે ?”

“અહો ! એમાં શું પૂછવા જેવું છે.” ગુરદાસે ગંભીરતાથી આંખો ચઢાવીને કહ્યું “એક દિવસ હું દિલ્હીની બહાર એક માતાનું દેવલ છે. ત્યાં બેઠો હતો એવામાં તમે જે પુરુષના વિષે વાત કરો છો તે અટપટા નામવાળા પુરુષ મારી પાસે આવ્યા. મને કહે કે તમારા ગામની પડોશમાં એક પ્રાચીન સિદ્ધાલય છે ત્યાં અમારે વસવાનો વિચાર છે, તમે સર્વ રીતે સહાય કરશો ? મે કહ્યું કે ખુશીથી; પણ મહેરબાન એ તો હવડ જગા છે, ત્યાં કોઈ આજ સુધી વસતું નથી, ને બધું ધૂળધાણી થઈ ગયું છે, કોણ જાણે સો એક વર્ષથી એ જગો ઉજ્જડ જેવી પડી હશે. ત્યારે તેમણે કહ્યું ‘એ તો બહુજ સારુ’ મારા જેવા સાદા અને વિરાગવાળ માણસને એવીજ જગોનું