પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૭
ગુરુનો આશ્રમ.


વિના મુમુક્ષત્વ પ્રાપ્ત થતું નથી એમ નિશ્ચયપૂર્વક માનતો હતો. વળી જેને કાંઈ શોધવાની આકાંક્ષા છે તેણે તો કોઈ કલ્પનારૂપ ઉત્તમાંશનેજ વળગી ધારણા તથા કલ્પનાનેજ સ્વાધીન થઈ રહેવું જોઈએ એમ તેનો આગ્રહ હતો.

લાલાજીને માલુમ પડ્યું કે ફરતાં ફરતાં જ્યાં વૃક્ષાલતાદિનું જૂથ ઘણું પ્રગાઢ હોય છે ત્યાં ત્સ્યેન્દ્ર કાંઈ કાંઈ ને કાંઈ વીણવા થોભે છે. એ ઉપરથી એને ગુલાબસિંહ પણ એમજ કરતો હતો તે સ્મરણમાં આવ્યું. એક દિવસ એણે પૂછ્યું “શું તમે એમ ધારો છો કે આ એક દિવસમાત્રનાજ આયુષવાળાં મૂળ પત્રાદિ તે અમર તત્ત્વના રહસ્યને ઉપયુક્ત છે ? જેમ સ્થૂલદેહને સારો રાખવાની ઔષધિઓ છે તેમ શું આત્માને માટે પણ ઔષધિ હોઈ શકે છે ? શું વસંતઋતુનો ભવ્ય સમાજ શારીરિક નિરામયત્વ સાધવા ઉપરાંત આધ્યાત્મિક નિરામયનો પણ સાધક છે ?”

“વનસ્પતિનો એક પણ ગુણ જેને જાણવામાં ન હોય એવા કોઈ જંગલી લોકના નિવાસમા કોઈ પરદેશી જઈને કહે કે જે વનસ્પતિને તમે નિત્ય પગ તલે ચગદી ધૂલધાણી કરો છો તે અતિ દિવ્ય પરાક્રમવાળી છે, મરણની પથારીએ પડેલાને પણ ઉઠાડે તેવી છે, તમારા નિપુણમાં નિપુણ જ્ઞાની પણ મૂર્ખ કરી નાખે તેવી છે, તમારા બલિષ્ઠમાં બલિષ્ઠ યોદ્ધાને ધૂલધાણી કરી વિનાશ પમાડે તેવી છે, ને એમ જીવિત, શૌર્ય પરાક્રમ, બુદ્ધિ, આત્મજ્ઞાન, આદિ અનેક વીર્યવાન્ ગુણ એને પત્રે પત્રે ભરેલા છે; તો તે લોક એ પરદેશીને જૂઠો અથવા કોઇ મેલી સાધનવાળો ગણત નહિ ? જે જંગલી લોકની મેં કલ્પના કરી તેનાજ જેવી સ્થિતિમાં, દુનીયાના લોક વનૌષધિના અર્ધો અર્ધ ગુણોની બાબતમાં છે. આપણામાં જે વૃત્તિઓ છે તેની સાથે ચુંબક જેવો સંબંધ ધરાવનારી ઘણીક ઔષધિ છે; સોમાદિ રસના જે વર્ણન છે તે બધા કેવલ કલ્પનાજ નથી.”

ત્સ્યેન્દ્રની દેખીતી રીતભાત ગુલાબસિંહ કરતાં જુદીજ હતી. ગુલાબસિંહની વાતચીતમાં મનુષ્યમાત્રના ભલા ઉપર પરોપકાર અને પ્રેમની ઉંડી અને સાર્વજનિક અભિલાષા સમજાયાં કરતી, ને એ અભિલાષા, કલા અને સૌંદર્યપ્રતિ પોતાની અતિ ઉગ્રપ્રીતિરૂપે પરિણમતી. એના વિશે જે વાતો ચાલતી તેની ગૂઢતા, એના પરોપકાર અને દયાનાં કૃત્યથી અધિક દીપી ઉઠતી; એની આખી વૃત્તિમાંજ કાંઈક એવું જણાતું કે એથી જે ભવ્ય માનબુદ્ધિ એ પેદા કરતો હતો તેનું ભય કાંઈક ઉભું થતું, જે ગુપ્તવિદ્યાનાં રહસ્યની એ વાતો કરતો