પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
ગુલાબસિંહ.

છે ! રાસનો મુખભાગ તો થઈ ગયેલો હતો ( જ્યાં સુધી લોકો ખુશી થયા તેની ખાત્રી થઈ નહિ હતી ત્યાં સુધી સરદારને બોલાવ્યો ન હતો) અને તેટલાથીજ બધો નિશ્ચય થઈ ચૂકેલો હતો; રાસ ઘણો ફતેહમંદ નીવડ્યો હતો. સરદાર, આ વાત, સર્વ પ્રેક્ષકોના મનમાં વિજળીની પેઠે જે આનંદ વ્યાપી રહ્યો હતો તે પરથી ને સર્વ લોક શાંત થઇ જોઈ રહ્યા હતા તે પરથી તુરતજ સમજી શક્યો. તે પોતાની રમાને વસ્ત્રાભૂષણના ભભકામાં શોભી રહેલી રંગભૂમિ ઉપર દેખે છે; અગણિત પ્રેક્ષકોનાં એકવત્ થઈ ગયેલાં હૃદયમાં વ્યાપી રહેલો તેનો મધુર સ્વર પણ સાંભળે છે ! પણ આ કયો ભાગ ચાલતો હતો ! રમા શાનો અભિનય કરતી હતી ! શું ગાતી હતી ! એ તો સરદારનું બીજુ છોકરૂં – અમર છોકરૂં – પોતાના આત્માના તત્ત્વનુંજ બનેલું બાલક – ઘણાં વર્ષ થયાં ધીરજથી અંધારામાં પડી રહેલું રમકડું,– “લક્ષ્મીપ્રભવ” એ રાસ હતો !

જે વાત ન જાણ્યાથી સરદાર હેરાન હતો તે આજ હતી; અમીરની સાથે તકરાર થવાનું કારણ પણ તેજ હતી, જયની ઘડી હાથ થઈ જણાય ત્યાં સુધી – પિતા પુત્રી ઉભયની કૃતિનો ઉત્કર્ષ એકજ કાલે પ્રસિદ્ધ થાય ત્યાં સુધી – ન જણાવવાની વાત તે પણ આજ હતી.

પોતાના પિતાનો અને પોતાનો જય પ્રકટ કરતી આ ઉભી તે રમા ! કાવ્યસંગીતના સાગરમાંથી ખડી કરેલી “ક્ષ્મી” થી પણ સુંદર શોભી રહેલી મા ! સર્વ પ્રેક્ષકોના આત્માથી પૂજાયલી મા ! શો આનંદકારક અને ચિરકાલ અનુભવવા યોગ્ય મેહેનતનો બદલો ! ઘણા કાલથી અપ્રસિદ્ધિની ગુફામાં દબાઈ રહેલી બુદ્ધિ જ્યારે પોતાના યથાર્થ સ્વરૂપે પ્રકાસી કીર્તિ પામે છે, ત્યારે તેને જે આનંદ પ્રાપ્ત થાય છે તે સમાન જગત્‌માં બીજો આનંદ ક્યાં હોઈ શકે ?

સરદાર બોલતો નહતો, હાલતો નહતો, સ્તબ્ધ થઈ શ્વાસોચ્છ્વાસ પણ બંધ રાખીને બેઠો હતો;– એની આંખમાંથી આંસુની ધારા ચાલ્યાં જતી હતી;– એનો હાથ માત્ર વારંવાર સ્વાભાવિક રીતેજ સરંગીને શોધતો હતો, એમ સમજીને કે આ ખરા જયના પ્રૌઢ પ્રસંગે તે ભાગ લેવા કેમ આવી નથી !