પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૦
ગુલાબસિંહ.

પુનઃ પુનઃ જાગ્રત્ થઈ ટક્યાં કરે છે, તે સર્વરક્ષણ માટે પૂર્ણ નથી. માણસોના કોપથી બચી જવું, કે યોદ્ધાઓની તરવારો તેમનાં પોતાનાંજ ગળાં કાપવામાં વપરાવવી, દેખતી આંખો આગળથી ગુપ્ત રીતે ચાલી જવું, એ બધાં પણ અમારાં કામ છે. કોઈ શીયાળશીંગડીમાં, કોઈ અમુક અંજનમાં, એમ અનેક વાતોમાં આ બધી શક્તિઓ વસેલી ધારે છે, પણ પેલી ખીણમાં હું તને એક વનસ્પતિ બતાવીશ કે જેનાથી સર્વ વાત તને સહજમાં સમજાશે, એટલુંજ યાદ રાખજે કે એવું કશું નથી જે નકામું હોય; કેમકે નકામામાં નકામી વસ્તુમાંથી પણ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ પેદા કરી શકાય છે.”

“ત્યારે જો આવી ગુપ્ત વાતો આટલી બધી ઉપયોગી હોય તો તે છુપાવીને ગુપ્ત શા માટે રાખો છો ? બધી દુનીયાંને કેમ બતાવતા નથી ? જે ઢોંગી લોકોની ગુપ્ત વિદ્યા છે તે યથાર્થ તત્ત્વવિવેકથી એટલીજ બાબતમાં જુદી પડે છે કે જ્યારે તત્ત્વવિવેક સર્વ વાતનાં કારણ આપી ખુલાસો કરે છે, ત્યારે ધૂતારા મહોટી મહોટી વાત કરી તેનું કશું કારણ આપી શકતા નથી.”

“ઠીક કહ્યું, વ્યાવહારિક ન્યાયપૂર્વક કહ્યું ! પણ જરા વિચાર કર. એમ ધાર કે અમે અમારી રહસ્ય વિદ્યા સર્વને આપીએ, કાંઈ પણ સાધનની અપેક્ષા કર્યા વિના, સારા નઠારા સર્વને આપીએ, તો એમ કરવાથી અમે જગત્‌ને લાભ કરીએ કે હાનિ ? જુલમગાર, વિષયલંપટ, નીચ, દુષ્ટ, એ સર્વ એનો શો ઉપયોગ કરશે ? ધારો કે એજ શક્તિ સારાંને પણ મળેલી છે, પણ પરિણામ શું થશે ? સારાં નાસતાં ફરશે, નઠારાં તેમની પૂઠે પડશે; ને એમ દુનીયાં જંપવા પણ પામશે નહિ. આવા યુદ્ધમાંથી કાંઈ સારાંનો વિજય થશે એમ પણ નથી, કેમકે આ કલિકાલમાં નઠારાંનું પ્રબલ છે તેથી નઠારાંનોજ વિજય થાય. એટલા માટે અમે સાધનસંપન્નનેજ ઉપદેશ કરીએ છીએ એટલુંજ નથી, પણ પ્રત્યેક શિષ્યની કસોટી પણ એવી રીતથી કાઢીએ છીએ કે જેથી તેની વૃત્તિમાત્ર શુદ્ધ અને શાન્ત થઈ સાત્ત્વિક થાય, તથા એની કામનાઓ નરમ પડી જાય. અને આ ઠેકાણે વિશ્વરચના પણ અમને સહાય કરે છે, કારણકે નીચ વૃત્તિવાળાંની વાંછના ઉત્તમ રહસ્યવિદ્યાથી પૂર્ણ થવામાં અનેક વિકરાલ અંતરાય આડે આવે છે.”

જે વાતચીત ગુરુ શિષ્ય વચ્ચે ચાલ્યાં જતી તે આવા પ્રકારની હતી. એમ અનેક દિવસ વહી ગયા, ઘણાક માસ ગયા. લાલાજીની વૃત્તિમાં સાત્વિકપણું ઠરવા લાગ્યું, અને દૂર પડેલી દુનીયાંમાત્ર એના લક્ષમાંથી નીકળી ગઈ.