પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૨
ગુલાબસિંહ.

આકારનાં સત્ત્વો તેમાં ગુંચળાં વળતાં ગોચર થયાં. એને ખાતરી થઈ કે મારી કલ્પનામાત્રજ આવી આકૃતિઓ આ સ્થાનમાં પેદા કરતી નથી, પણ ખરેખરાં કોઈ વિપુલ અને વિકરાલ સત્ત્વોજ સામે ઉભાં છે, અથવા એ ધૂમ્રજ એવી આકૃતિ ધારણ કરે છે ! પણ લાલાજી આ શૂન્યકારમાંથી જાગ્રત્‌ થાય તે પૂર્વે તો હાથ પકડીને કોઈ એને બહારના ઓરડામાં લેઈ જાય છે એમ જણાયું. બારણું બંધ થયું, એનું લોહી તાજું થઈ ફરવા લાગ્યું, અને એણે ત્સ્યેન્દ્રને પોતાની પાસે જોયો. પછી એનું શરીર તણાઈ જવા લાગ્યું, ને એ શુદ્ધિ ભુલી જઈ ભૂમિ ઉપર ઢળ્યો. જ્યારે શુદ્ધિ આવી ત્યારે પર્વતની કડણમાંથી બહાર લટકતા છજા જેવી જગોએ ખુલ્લી હવામાં પડેલો છું એમ એને લાગ્યું; તારાગણનો પ્રકાશ નીચેના અગાધ ગર્ત ઉપર અને પોતાનીજ પાસે શાન્તમુદ્રાથી હાથ ભેગા કરી ઉભેલા ત્સ્યેન્દ્ર ઉપર રમી રહ્યો હતો.

“જવાન માણસ !” ત્સ્યેન્દ્રે કહ્યું “તને આ ક્ષણે જે અનુભવ થયો તેટલાથીજ અનુમાન કર કે પૂરેપૂરી સાધનસંપત્તિ વિના સિદ્ધિ પામવાનો પ્રયત્ન કેટલો ભયકારક છે. એક ક્ષણ પણ જો પેલા ઓરડામાં વધારે થઈ હોત તો તું શવ થઈ ગયો હોત.”

“ત્યારે જેનો ગંધમાત્રજ મને મરણરૂપ થઈ પડે એવા ધૂમ્રમય ઓરડાના એકાન્તમાં મારા જેવા મર્ત્ય સ્વભાવના છતાં તમે જે સિદ્ધિ સહી સલામતીથી શોધો છો તે કેવાક પ્રકારની છે ? ગુરુદેવ !” લાલાજીએ આ વીતેલા ભયના આશ્ચર્યથી વધારે ઉત્તેજિત આકાંક્ષાથી પૂછ્યું, “હું સર્વથા તૈયાર છું; ઉપદેશ પામવાને તો છુંજ. પ્રાચીન પરંપરાથી જેમ થતું આવ્યું છે, તેમ હું સમિત્‌પાણી થઈ અત્યારે આપની સમીપ આવ્યો છું, મને ઉપદેશ આપો.”

ત્સ્યેન્દ્રે એ યુવકના હૃદય ઉપર હાથ મૂક્યો. તેની ગતિ ઉચ્ચ, નિયમિત અને દૃઢ હતી. એ એના ઉપર શાન્ત અને નિર્વિકાર છતાં સાશ્ચર્યતા જેવા ભાવપૂર્ણ નયને જોઈ રહ્યો, અને મનમાં એવું બોલતો હોય એમ લાગ્યું કે “ખરેખર, આટલા સાહસ અને ધૈર્યવાળો ખરો શિષ્ય છેવટ મળ્યો.” પછી મહોટેથી બોલી એણે કહ્યું “ભલે એમ થાઓ, ઉપદેશનો પ્રથમ ક્રમ ધારણાથી સવિકલ્પસમાધિ પર્યંતનો છે. સિદ્ધિ માત્રનો આરંભ સ્વપ્નથીજ થાય છે; સ્વપ્નદ્વારાજ આત્મા આત્માના યોગનો ભાસ થાય છે, ને આ રીતે જે ગુપ્ત સૂક્ષ્મસૃષ્ટિ છે તેનો સંબંધ સંભવે છે. પેલા તારા ઉપર સ્થિરવૃત્તિથી જોઈ રહે.”