પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૪
ગુલાબસિંહ.

“કારણ કે હૃદય છે તે કદાપિ અજ્ઞાનવાળું નથી; રસવૃત્તિનો પ્રભાવ પણ બુદ્ધિના પ્રભાવ જેટલોજ ચમત્કારિક છે. પ્રસંગે પ્રસંગે તું મારા તર્ક વિતર્કની વાણી જેમ સમજી શકતી નથી, તેમ હું પણ તારી રસવૃત્તિમાંથી અનેક એવા અગમ્ય ઉદ્‌ગાર સાંભળું છું.”

“એમ શા માટે બોલો છો ?” માએ જરા ઉચાં થઈ એને ગળે પોતાનો હાથ વીંટી હસતે વદને કહ્યું “અગમ્ય ઉદ્‌ગાર એજ પ્રેમની ભાષા છે, ને પ્રેમજ તેનો અર્થ સમજી શકે છે. જ્યાં સુધી મેં તને યથાર્થ ઓળખ્યો ન હતો, જ્યાં સુધી મેં તારા આત્મામાં આત્માને મેળવ્યો ન હતો, જ્યાં સુધી હું તારાં પગલાં વાગતાં સાંભળવા ઉત્સુક થઈ કાન માંડી રહેવા શીખી ન હતી, રે ! તું ન હોય તો પણ તને સર્વત્ર દેખતી હતી, ત્યાં સુધી મને સ્વપ્નમાં પણ ખ્યાલ ન હતો કે સમિષ્ટ અને વ્યષ્ટિને કેવો દૃઢ અને નિયત સંબંધ છે…… છતાં જે હું પૂર્વે માનતી તેની મને હાલ ખાતરી થઈ છે. જે વૃત્તિથી હું પ્રથમ તારા તરફ ખેંચાતી હતી તે પ્રેમ ન હતો એ વાત હું વર્તમાનને ભૂત સાથે સરખાવવાથી સમજી શકું છું; એ વૃત્તિ કેવલ આત્મભાવની હતી, પૂર્ણ ભક્તિના રસથી ભરેલી હતી. હવે તો હું તારે મોઢેથી એમ સાંભળવું પણ સહન ન કરી શકું; કે ‘મા ! બીજા જોડેજ સુખ માણુ’”

“અને હું તને હવે એવું કહી પણ ન શકું; મા ! મને અનેક વાર ‘હું સંપૂર્ણ સુખી છું’ એમ કહેતાં તું હવે થાકીશ નહિ.”

“સુખી ? તું સુખી ત્યાં સુધી હું સુખી જ છું. પણ મારા પ્રાણ ! કોઈ કોઈ વાર તમે એવા દુઃખી જણાઓ છો !”

“કારણ કે જીવિત એટલું ટૂંકું છે; આપણે છેવટ જુદા પડીશું ! કારણ કે આ ચન્દ્ર, જ્યારે બુલબુલ તેને અભિનંદતું નહિ હોય, ત્યારે પણ પ્રકાશ્યાં જશે ! થોડાંક વર્ષ પછી તારાં નયન ઝાંખાં થશે, તારા રમણીય ગુચ્છા કરમાઈ જશે.

“અને, રે નિર્દય !” માએ બહુ આર્દ્રભાવે કહ્યું “તારા ઉપર તો વર્ષની અસર હું કદીજ નહિ દેખું ! પણ આપણે ભેગાંજ ઘરડાં થઈશું ને જે વિકૃતિ થશે તેને આપણી આંખે સહેવાતી ચાલતાં, આપણો પ્રેમ અખંડજ રહેશે.”