પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૮
ગુલાબસિંહ.

અણુની પણ નિરર્થતા સહન કરી શકતો નથી; આખા વિશ્વમાં એવું કોઈ સ્થાન નથી કે જ્યાં કોઈ પણ પ્રકારે આત્માની સત્તા ન હોય. કસાઇના મૃત્યુગૃહમાં પણ ઉત્પત્તિ અને જીવનનું સ્થાન છે. એ વાત સાચી હોય, તો તું એમ માની શકશે કે દિગ્ જે પોતેજ અનન્તસ્વરૂપ છે તે નિર્જીવ, શૂન્ય, નિરર્થ છે ? સૂક્ષ્મદર્શકયંત્રથી પણ એક જલકણના જીવ તું જોઈ શકે, પરંતુ અદ્યાપિ એવું કાંઈ શોધાયું નથી કે જેનાથી સામાન્ય દૃષ્ટિનાં મનુષ્યથી દિગ્ અથવા આકાશના જીવ જોવાય. પણ એ તો નિઃસંશય છે કે આકાશમાંના જીવોને સુષ્ટિનાં મનુષ્યો સાથે અતિ નિકટ અને અચુક સંબંધ છે. એટલાજ માટે વિવિધ દેવ, ગંધર્વ, યક્ષ, પિશાચ, કે શક્તિ, ભવાની, અપ્સરા, વ્યંતરી, ડાકણ આદિ અર્ધી સાચી, અર્ધીં જુઠી, એવી કલ્પનાઓથી આ વાતો કહેવામાં આવેલી છે. આગળના લોક કરતાં હાલના લોક આ બધાંની સત્તા નથી અનુભવી શકતા તેનું કારણ તો એટલું જ છે કે આગળના લોકોની ઇંદ્રિયો અને તેમનાં અંતઃકરણ હાલના લોકોના કરતાં વધારે શુદ્ધ અને ગ્રાહક હતાં. જેમ જંગલી પ્રાણીને પોતાના દુશ્મનની સુગંધ ઘણાક ગાઉથી આવી શકે છે, તેજ જાતના સુધરેલા પ્રાણીને તેમ થવું અશક્ય છે, તેમ એ અસલનાં મનુષ્ય અને આ સત્ત્વોની વચ્ચેનું અંતર પણ વધારે લાંબું હતું નહિ, કેમ સમજાય છે કે ? ”

“બરાબર.”

“પણ પ્રથમ એમ કરવું જોઈએ કે જે અંતઃકરણથી તારે એ સત્ત્વો જોડે સંબંધ કરેવો છે તે ઉગ્ર ઉત્કંઠાથી તીવ્ર થવું જોઈએ, ને સર્વસ્થૂલ વાસનાથી મુકત થવું જોઈએ. સર્વ કાલ અને સર્વ દેશના સિદ્ધ લોકોએ બ્રહ્મચર્ય અને ત૫:કષ્ટથીજ આ સંબંધ થવાનો સંભવ બતાવ્યો છે તે કારણ વિના નથી. અંતઃકરણની તીવ્રતા વિના જેમ તારામાં ઉત્પાદક શક્તિ નહિ આવે, તેમ અંતઃકરણની શુદ્ધતા વિના તે શક્તિનો શુભ ઉપયોગ નહિ બને, તારો પોતાનોજ વિનાશ થાય તેવી આંટી આવી જશે. જ્યારે એ બે વાત થાય ત્યારે શાસ્ત્ર પણ સહાય કરી શકે; દૃષ્ટિ તીક્ષ્ણ થાય, શ્રવણ તીવ થાય, સત્ત્વ શુદ્ધ થાય, ત્યારે આકાશ — પણ અમુક સાદા રસાયન પ્રયોગથી — વધારે તાદૃશ અને સ્પષ્ટ કરી શકાય. આનું નામ અજ્ઞાનીઓ કહે છે તેમ, જાદુ નથી, કેમકે મે તને કહેલુંજ છે કે વિશ્વના નિયમને ઉલટાવી નાખવારૂપી જાદુ એવી વસ્તુ હોઈ શકતીજ નથી. ત્યારે