પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૯
છેલી કસોટી.

સમજ કે આકાશત્તવની સૂક્ષ્મસૃષ્ટિમાં અનંત જીવો છે. તે બધા કાંઈ શુદ્ધ આત્મરૂપ નથી, તેમાં ઘણા ઘણા ક્રમને ઘણી ઘણી પંકતિઓ છે, ને તેમને થોડાં કે ઘણાં અતિસૂક્ષ્મ એવાં પ્રાકૃતિક રૂપ પણ છે કેટલાંક અતિ ઉત્તમ બુદ્ધિવાળાં છે, કેટલાંક અતિ ઉગ્ર વિનાશપરાયણ છે; કેટલાંક રાક્ષસ જેવાં ભયંકર છે. કેટલાંક દેવ જેવાં સુખકારી છે; ને એમ એ બે સીમા વચ્ચે અનેક પ્રકાર છે. જેને આ સત્વો સાથે સંબધ કરવાની ઈચ્છા છે, તે અજાણ્યા દેશમાં ફરનાર મુસાફર જેવો છે, જાણ કે સિદ્ધિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન આરંભ્યો ત્યારથી જ આ સૃષ્ટિના દ્વાર તરફ જવાનું પગલું ભરાઈ ચૂક્યું; અનન્ત મોક્ષનો માર્ગ પણ ગમે ત્યાં લઈ જનારો છે, છતાં તે આ સૃષ્ટિમાં થઈનેજ જાય છે. એ સૃષ્ટિમાં જ આ બધાં સત્ત્વોથીજ મુમુક્ષની કસોટી થાય છે. આત્મસત્તા સાથે ઐક્ય અનુભવવાનો યત્ન અને આરંભ કરનાર આત્માથી અભિન્ન એવા ચમત્કારમાત્રને દેખે છે, પણ તેમની પાર જવાનું તેને જે સામર્થ્ય હોય તે ઉપરજ તેના આત્મજ્ઞાનનો અને મોક્ષનો આધાર રહે છે. જો કોઈ જીવ વાસનાગ્રસ્ત થઈ એ સત્ત્વોમાંજ લપટાય, સિદ્ધિના રસમાં પડી અસ્મિતામાં સુખ માને, તો તો મુવોજ. કારણ કે એ સૃષ્ટિમાં જનારને વિલક્ષણ અને અણચિંતવ્યો ભય આવી પડે છે. એ સંબંધ એક વાર શરૂ થયો કે પછી તારે જે કસોટીએ ચઢવું પડે તેના પરિણામથી હું તને સાચવી લેઉં એ થવું અશક્ય છે. માર્કંડેય પુરાણમાં સપ્તશતીના, લયરૂપ તૃતીય ચરિતના વર્ણનમાં, રક્તબીજ જેવા દૈત્યોના રુધિરને બિંદુએ બિંદુએથી બીજા રક્તબીજ પેદા થઈ મહાશક્તિની સન્મુખ થતા એ કથા કહી છે તે છેકજ કલ્પના નથી. એ મહાશક્તિ પણ સર્વ દેવના સાર રૂપ સત્ત્વથી પેદા થઈ હતી. તારી સત્ત્વશક્તિ એવી દૃઢ અને બલવતી હશે તોજ તારી રાજસી તામસી વાસનાના અનંત રક્તબીજોને તું સંહારી પાર ઉતરી શકશે. હું તને એ ભયંકર સત્ત્વોથી વિમુક્ત માર્ગ બતાવી શકવાનો નથી. તારે જાતે એકલા જ બધાની સામા થવાનું છે, ને બધું ઉઠાવવાનું છે. પણ તારી ઈચ્છા જો માત્ર જીવ્યાંજ કરવાની હોય, પછી તે ગમે તે સ્થિતિમાં ને ગમે તે રીતે, ને કીમીયાગરો જે જીવનબુટ્ટી રૂપી રસાયન ખોળે છે તે જ પી લેવું હોય, તારી સ્થૂલવાસનાજ પ્રબલ હોય, તો આ ભય શા માટે વહોરે છે ? આત્મજ્ઞાનની વાતો સરલ છે પણ તેનો સાક્ષાત્કાર કરવાનો યત્ન બહુ ભયકારક છે, કેમકે એષણામાત્રના નિદાનરૂપ જે શંકા અને ભય તેને જીત્યા વિના નિઃશંક અભયસ્થાન પ્રાપ્ત