પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૦
ગુલાબસિંહ.

થતું નથી; જો તારી વાસના સ્થૂલ જ હશે ને તું આમજ્ઞાનના આવેશમાં આગળ દોડશે તો એ આત્મરસાયન એક વાર તારા ગળા હેઠળ ઉતરતાંજ તારી ઈંદ્રિયો એવી તીવ્ર થશે કે સત્ત્વમાત્રનું તને દર્શન થવા માંડશે, ને જો તું એમાંથી પાર પડવા જેટલો સાધનસંપન્ન નહિ હોય, તો તારૂં જીવિત અનંત ક્લેષમય થઈ રહેશે. એવા આત્મપ્રસાદને ઉત્તેજન કરનાર યુક્તિઓ તેમ બુટ્ટીઓ ઘણીએ છે; લે આ તેમાંનુંજ એક રસાયન છે. યદ્યપિ એ રસાવન સાદામાં સાદી વસ્તુનું બનેલું છે તથાપિ તેણેજ એ પીવું કે જેણે સર્વથા સાધનસંપત્તિ સિદ્ધ કરી હોય, વળી ઘણાકને એ પીતાંજ એવું દર્શન થાય છે કે જેથી ગભરાઈ જતાં, તેમને એ પ્યાલો તારનાર કરતાં મારનાર નીવડે છે. જે કાચાં છે તેમને એ અતિવિષમ વિષ છે, વળી આરંભેજ ભયમાત્રના સારરૂપ રક્તબીજ ચોકી કરે છે તેનું દર્શન એટલું ભયકર છે, કે એની દૃષ્ટિથી દૃઢમાં દૃઢની પણ ધીરજ વછૂટી ગઈ છે, રગો નરમ થઈ ગઈ છે, ને મગજ ખસી ગયાં છે. એનું ભયાનક સામર્થ્ય એનું જેટલું ભય પમાય તેટલુંજ વધતું ચાલે છે. નિર્ભયતા એજ એના નિવારણનો મંત્ર છે. હવે વિચાર કર કે તને આટલું બધું કરવાની ઈચ્છા અને હીંમત છે ?”

“છે, છે; તમારાં વચનથી અધિક ઉત્તેજિત થઈ છે.”

આટલું કહેતાં જ ત્સ્યેન્દ્ર એને અંદરના ઓરડામાં લઈ ગયો, ને એને કેટલીક સાદી રસાયનક્રિયા સમજાવવા લાગ્યો; સાદી છતાં પણ તે અતિ ભવ્ય પરિણામે લઈ જનારી છે એમ લાલાજીને સહજ સમજાયું.

“પૂર્વકાલમાં અમારા સમાજના લોકો સત્ય વાત ગુપ્ત રાખવા માટે ઘણા આડા અવળા રસ્તા લેવા પડ્યા છે; અને ચતુર કીમિયાગર કે વિદગ્ધ રસાયન કરનાર રૂપે અમે જાદુગરને નામે વગોવાયા છીએ. કિંબહુના પુરાણ કથા વગેરેની વિવિધ રચનાઓથી પણ અમારે એ વાતને છુપાવવી પડી છે, ને એમ અમે વહેમને વધારનારા કુધારાવાળા ગણાયા છીએ. પણ એમ કર્યા વિના સિદ્ધિ ન હતી, ને હજી પણ નથી, એ હું તને સમજાવી ચૂક્યો છું. જો; જે જે જાદુની વાતો કહેવાય છે, એક ક્ષણેજ સર્વ ઋતુના આવિર્ભાવરૂપ, વિકરાલ સત્ત્વોના પ્રાદુર્ભાવરૂપ, તે હું તને સહજમાં બતાવું ?”

જે સરલ યુક્તિથી ત્સ્યેન્દ્રે લાલાજીની ખાતરી કરી તેથી એ દિઙ્મૂઢ જ થઈ ગયો; અને પ્રત્યક્ષ પ્રમાણ આગળ કાંઈ બોલી શક્યો નહિ,