પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૧
છેલી કસોટી.

“જો; ભાઈ ! આની આજ વાતો અન્યરૂપે સમજાયાથી અનેક વિટંબનાના કારણરૂપ થઈ પડી છે. કીમીયો ! આખી વિશ્વરચનામાં કીમીયોજ ચાલે છે; ધાતુમાત્ર ને તત્ત્વમાત્ર, નિરંતર નવાં નવાં રૂપ ધરતાંજ જાય છે. સોનું બનાવવું સહેલું છે, મોતી, પ્રવાલ, રત્ન બનાવવાં તેથી પણ સહેલાં છે. ડાહ્યા લોકને આમાં પણ જાદુ જણાયો; પણ નિત્ય ઉપયોગની અગ્નિ અને જલ જેવી સાધારણ વસ્તુઓમાંથી એક એવો રાક્ષસ બનાવ્યો કે જેની વરાળથી અનેકનો નાશ થઈ જાય તે એમને જાદુ લાગ્યો નહિ. એ જમાનો આવતો જાય છે; એક વાર હતો, ફરી આવશે, એ રાક્ષસને તમે દેખશો. માણસો એમ માનશે કે આ તે જ્ઞાનનો પ્રસાર થાય છે, સમૃદ્ધિ અને સુખ વધે છે, પણ એ બધાં વિનાશ અને દુઃખનાજ રૂપાંતર નીવડશે. તે સમયે, જેથી નાશ થાય તે શોધી કહાડો, લોક તમને મહાપુરુષ માનશે; વૃદ્ધિ થાય તે શોધી બતાવો તમને ધૂતારા કહેશે ! કઈક એવું યંત્ર છે કે જેથી ધનવાન્‌ વધારે ધનવાન્‌ થાય ને ગરીબ વધારે ગરીબ થાય તો તમારી મૂર્તિ પૂજાશે, તમારે નામે કીર્તિસ્તંભ થશે; કાંઈક એવી યુક્તિ બતાવો કે જેથી વ્યાવહારિક વિષમતા નિર્મૂલ થાય. જગત્‌નાં દુઃખ અને ક્લેષની દુઃસહતા ઓછી થાય, અને સર્વત્ર આત્મભાવ વૃદ્ધિ પામે, તો તમને પથરે મારવા પોતાનાં ઘર પણ તોડી પાડશે ! મારા શિષ્ય ! જે દુનીયાં આવી છે તેની હજી ગુલાબસિંહ પરવા કરે છે ! આપણે બે તો એને બાજુ ઉપરજ મૂકીએ. ત્યારે હવે તેં જે કાંઈ જોયું, તેનો યથાર્થ અભ્યાસ કરવા શુરૂ કર.” પછી ત્સ્યેન્દ્રે પોતાના શિષ્યને કેટલું કામ સોંપ્યું જેમાં બધી વાત વીતી ગઈ.

સ્થિર ચિત્ત ને નિશ્ચલદૃષ્ટિ અને ઘણું સૂક્ષ્મ ગણતરીથી સિદ્ધ થઈ શકે એવા કેટલાક પ્રયોગમાં ત્સ્યેન્દ્રનો શિષ્ય કેટલોક સમય ગુંથાયલો રહ્યો. ઘણા વિલક્ષણ પરિણામો જોઈ એને બહુ આશ્ચર્ય અને આનંદ થતાં ચાલ્યાં. તેમાં કેવલ રસાયનપ્રયોગો જ હતા એમ નહિ, પણ તેજસ્તત્ત્વના કોઈ ગૂઢ પ્રયોગથી જીવનશક્તિ ઉપર જે અસર કરી શકાય છે તે રહસ્યવિદ્યાની વાત પણ એમાં સમાયલી હતી. સર્વવ્યાપી પણ અદૃશ્ય એવા આકાશતત્ત્વદ્વારા જીવ જીવને, વિચાર વિચારને, ને આત્મા આત્માને, ગમે તે સ્થલ અને ગમે તે કાલે પણ સંબંધ છે એમ ત્સ્યેન્દ્ર અને તેના વર્ગના યોગીઓ માનતા અને એ તત્ત્વદ્વારા હાલના તાર કરતાં પણ વધારે જલદથી સંકલ્પ જોડાઈ શકતા. મનોમન એક થતાં, અને ભૂતકાલ વર્તમાનમાં પ્રત્યક્ષ થતો. માણસ જાતે કે કોઈ જીવધારી જંતુએ જે જે કાલે ને જે જે સ્થલે જે કાંઈ વિચાર્યું, સંકલ્પ્યું,