પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૨
ગુલાબસિંહ.

સિદ્ધ કર્યું હોય, તે એ તત્ત્વમાં રમનારને એક ક્ષણમાત્રના વેગપૂર્વક સંકલ્પથી દૃષ્ટિગોચર થઈ શકે છે; ને આ વિશ્વના અંધારામાં અંધારા ખુણાની વાત પણ છાની રહી શકતી નથી. આ પ્રકારેજ ઉપનિષદાદિમાં કહેલું “એક શાનથી સર્વ જ્ઞાન,” એક ચૈતન્યના અપરોક્ષથી ચૈતન્યના વિવર્તમાત્રનું અપરોક્ષ, એ યોગીઓ સાનુભાવ સિદ્ધ માનતા. એમાંજ तत्त्वमस्यादि વાક્યોનો પ્રત્યક્ષ નિશ્ચય હતો. લાલાજીને આ બધું જોઈ બહુ આશ્ચર્ય લાગ્યું, ને આવી યોગવિદ્યામાં ત્યેન્દ્ર રમી રહ્યો છે એ જોઈ એને બહુ ભાવ પેદા થયો. એજ વિદ્યાદ્વારા ભવિષ્ય પણ વર્તી શકાતું * * * * * પણ લાલાજીને એમ લાગ્યું કે પ્રત્યેક પ્રયોગમાં જે છેવટનો ક્રમ છે, કે જેનાથી આખરનું ભવ્ય પરિણામ નીપજે છે, તે તો ત્સ્યેન્દ્ર પોતાની પાસેજ રાખે છે. આ ગુરુભાગ વિષે વાત કરતાં એક વખત ત્સ્યેન્દ્રે આવું પ્રશ્ન પૂછ્યું :—

“શું તું એમ ધારે છે કે હું એક શિષ્યમાત્રનેજ, આખા બ્રહ્માંડની સ્થિતિ પણ પલટાવી શકે તેવું સામર્થ્ય, એમને એમ, આપી દઈશ ? જેની સાધનસંપત્તિની ગુરુને પાક્કી ખાત્રી થાય છે તેનેજ છેવટનો ક્રમ અપાય છે. ધીરજ રાખ, પ્રયત્ન એ પોતેજ મનોવિકારને વિશુદ્ધ કરનાર વસ્તુ છે; ધીમે ધીમે જે ગૂઢ મર્મ છે તે આપોઆ૫ તારી બુદ્ધિમાં ઉગી ઉદય પામશે.”

આખરે લાલાજીની આજ સુધીની સાધનસંપત્તિ વિશે ત્સ્યેન્દ્રે સંતોષ દર્શાવ્યો, ને બોલ્યો કે “ગૂઢ માર્ગમાં પેસવાની મર્યાદાને ઓળંગવાનો તથા પેલા કરાલ બહુ રૂપી રક્તબીજની સામા થઈ તારી વિશુદ્ધિની કસોટી બતાવવાનો હવે સમય આવ્યો છે. તારો પરિશ્રમ ચાલુ રાખ, ને જેમ હાલ તું ફલની આકાંક્ષા કરતો નથી તેમજ ધીરજથી ચાલ્યો જા; એમજ તને, કાર્યમાત્રનો જેમાં વિલય છે તે મહાકારણનો અનુભવ થશે. હું અહીંથી જાઉં છું તે એક મહીને આવીશ; હું પાછો આવીશ ત્યારે, જે તને સોંપેલું તેં પૂર્ણ કર્યું હશે, ને તારૂં મન ધારણા અને તત્ત્વવિચારથી દૃઢ થયું હશે, તો તને નિઃસંશય હું કસોટીએ ચઢાવીશ. પણ તને એક ચેતવણી આપતો જાઉં છું, કે આ ઓરડામાં કદાપિ પેશીશ નહિ, હું પાછો આવું ત્યાં સુધી કદાપિ એ તરફ જઈશ નહિ, કદાપિ કાંઈ લેવા કરવા તારે અંદર જવુંજ પડે તો પેલાં પાત્રોમાં જે પદાર્થ છે તેને સળગાવીશ નહિ, ને તેમની પાસેના કુંભ ઉઘાડીશ નહિ; એ ઓરડાની કૂંચી હું તનેજ સોંપી જાઉં છું, કે એમ તારી પૂરેપૂરી કસોટી થાય. બેટા ! યાદ રાખ કે આ લાલચ જે તને બતાવી છે તે પણ