પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૫
છેલી કસોટી.

એટલામાં હો હો ને રેરેના ભણકારા પેલા આનંદભર્યા ટોળામાંથી લાલાજીને કાને પડ્યા ને નાચ ચાલતો થયો, તે સાથે લાલાજીનું મગજ પણ ભમવા લાગ્યું. ગુરુદાસે ઉમેર્યું “ચાલો ચાલો સાહેબ ! આ મારી લટકાળીને એ રાસમાં તમારા જેવો કહાન જોઈએ છીએ.” પેલી લટકાળી પણ આવું સાંભળતાંજ ગુરુદાસનો હાથ મૂકી દેઈ જાણે બહુ અપમાન થયું હોય એમ તેને તરછોડી, ને નાશી ગઈ. જતે જતે તેણે લાલાજીને પોતાનાં ચક્ષુથી નોતરૂં દીધું; થોડેક જઈને ઉભી; લાલાજીની નજર તેની નજરમાં મળી. ગુરુદાસ તો ચાલતો થયો, તુરતજ પેલી લલનાએ કાંઈ ઉચ્ચાર કર્યો, ને અધ્યાત્મરહસ્ય શોધનારા સાધુને પોતાની સમીપ બોલાવ્યો. લાલાજીએ માથું ધૂણાવ્યું, પણ પેલીએ એક બીજો લઠ્ઠો તે તરફ આવતો હતો તેના ભણી આંગળી બતાવી. લાલા ! ખરે ખરૂં માથું ધૂણાવતો હોય તો તને શા માટે અદેખાઈ આવી ? લાલાજીએ હાથ લાંબો કર્યો; પેલીએ જેટલી થઈ શકે તેટલી કૃત્રિમ શાલીનતાથી તેનું ગ્રહણ કર્યું; બન્ને પેલી રાસમંડલીમાં ભળ્યાં ! અહા ! વનસ્પતિનાં સત્ત્વ કાઢવાં, રસાયનના પ્રયોગ કરવા, ને તારાનાં ધ્યાન ધરવાં, આત્મપ્રસાદ અને ચૈતન્યવિવર્તની વાતો સાંભળવી, અભેદની ગપ્પો મારવી, એ કરતાં આ અનેક પ્રકારે રસભર્યું છે : ત્સ્યેન્દ્રના શિષ્ય ! રે ભાવિ શંકર ! રે જ્ઞાનિ ! વેદાન્તિ ! યોગિ ! સિદ્ધ ! તારાં કૃત્યથી અમને શરમ આવે છે ? શું આટલા માટે તે સાક્ષાત્‌ મા જેવી રમાનો તિરસ્કાર કર્યો ? સંભાળ સંભાળ, શું કરે છે ! શા માટે પેલીનો હાથ પકડી તેને સરસી તાણે છે ! દૂર લઈ જાય છે : મસ્ત થઈ કૂદી કૂદીને શી હીંચ લે છે ! ગયો, પડ્યો; પેલા વૃક્ષ નીચે જઈને બન્ને પડ્યાં. બીજાં તો દૂર રહ્યાં કૂદે છે, નાચે છે, એમને હસે છે, પણ એ સાંભળતાં નથી. એ બે તો પરસ્પર બેનેજ દેખે છે! પીઓ, પીઓ, દારૂની મઝાથી, થનારૂં નૃત્ય બમણું મીઠું લાગશે.

“અરે લલના ! તું કોઈ ઠગારી છે.”

“તમારીજ છું; વળી મળીશ.”

“વાહ જવાન !” એમજ જોઈએ.” એક એંશી વર્ષના બુઢ્ઢાએ પાસે આવી લાલાજીને કહ્યું “જવાની તો એમજ ભોગવાય. ભોગવાય નહિ તો જવાની શા કામની ? અમે હવે મરવાને ભોંય સુંઘીએ છીએ, પણ અમે જવાની બરાબર ભોગવી નહિ તેથી પસ્તાઈએ છીએ, ને આજે પણ ‘ચંદ્રવદન મૃગલોચની કાકા કહત બુલાય’ એથી બહુ બળીએ છીએ. માટે પાછા ન હટશો ભાઈ ! ભોગવાય તેમ ભોગવજો; ભોગવ્યું એજ જીવ્યું છે.”