પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૭
કોઠી ધોવાથી કાદવ.

ઈચ્છા થઈ. સૂર્યનાં કિરણ જેમ જેમ ઓરડામાં પડતાં ગયાં, તેમ દિવસના વધતા જતા પ્રકાશે અંધકારના અનુષંગી જે ભય તેમને એની કલ્પનામાંથી, ઉડાવી દીધા, એ ભવ્ય ખંડેરમાં બીજા ઓરડા હતા તે કરતાં જે ઓરડો, ઉઘાડવાની ના કહેવામાં આવી હતી તેમાં એને કાંઈ સવિશેષ તફાવત જણાયો નહિ. સૂર્યના આવા પ્રચંડ પ્રકાશમાં કીયો અસુર કે ભૂત આવીને મને ખાઈ જનાર છે ! લાલાજીની પ્રકૃતિનું વૈચિત્ર્ય અથવા વિરોધિપણું એટલામાંજ હતું. કે એના તર્ક એને સંશયમાં નાખી દેતા અને તેથી એની નીતિવૃત્તિ બહુ અનિશ્ચિત અને શિથિલ થઈ જતી, એનું શરીર ધૃષ્ટતા પર્યંત સાહસવાળું થઈ ઉશ્કેરાતું, આવું હોવું એ અસાધારણ નથી; કેમકે સંશય અને સાહસ એ ઘણું કરી સાથે જ અવતરે છે. આવી પ્રકૃતિનો માણસ જ્યારે કોઈ કાર્ય કરવાનું કરે છે ત્યારે પોતાની જાતના ભયથી તે કદાપિ અટકતો નથી; અને પુણ્ય પાપનો કોઈ સંકોચ નડે તો તેને તે જેમ તેમ કરીને તે સમાધાનને રસ્તે ઉતારી લે છે. આ કારણથી મારૂં હૃદય આમ કઠિન થયું અને શાથી હું આ એકાએક ઉઠીને ચાલવા લાગ્યો તેને વિચાર કર્યા વિનાજ લાલાજી ત્સ્યેન્દ્રના ઓરડા આગળ ગયો અને જે બારણું ન ઉઘડવું જોઈએ તે ઉઘાડ્યું. જેવું હંમેશાં દેખતો હતો તેવુંજ તે સ્થાન હતું, માત્ર એક સ્થલે ત્યાં એક અતિપ્રાચીન ગ્રંથ ઉઘાડો પડેલો હતો. તેની પાસે ગયો, અને જે પાનું નજર આગળ આવ્યું તે ઉપર નજર ફેરવવા લાગ્યો, પણ તે લેખ કઈ કૃત્રિમ અક્ષરે લખેલો જણાયો. પોતાને આજ પર્યંત જે જ્ઞાન એ સંબધે મળ્યું હતું તેની સાહાયથી વાંચવા માડ્યું, તો આ પ્રમાણે કાંઈક એનાથી સમજાયું :—

“અંતર્જીવિત અનુભવવું એ બાહ્યજીવિત પ્રત્યક્ષ કરવા રૂપ છે; કાલથી મુક્ત થવુ એ સર્વમય થવામાં રહેલું છે. જેને ખરૂં રસાયન મળે છે તે આકાશતત્ત્વમાં રહેલું સર્વસ્વ જોઈ શકે છે; કારણ કે જેનાથી શરીર પુનઃ સજીવ અને સયૌવન થાય છે તેનાથી ઈંદ્રિયો પણ અસાધારણ પ્રભાવ પામે છે. તેજસ્તત્ત્વના મૂલસ્વરૂપમાં કોઈ અલૌકિક આકર્ષણશક્તિ રહેલી છે. જે કુંભમાં રસ ભરેલો છે તેને ઉઘાડતાની સાથેજ તેની પાસેના દીવા પણ સળગાવ; એટલે, જેમનું જીવિત માત્ર એ તેજરૂપી છે તેવા સત્વ માત્ર એ તેજથી આકર્ષાશે. ભય પામતો ના; ભય છે તેજ જ્ઞાનનો મહાન્‌ શત્રુ છે.” આ ઠેકાણેથી પેલા પુસ્તકના વર્ણ વળી કોઈ બીજી કૃત્રિમભાષાના હોય એમ જણાયું; પણ પોતે આટલું જે વાચ્યું તે શું પૂરું ન હતું ! વાત તો માત્ર એટલીજ હતી કે “ભય ન પામવુ” એમાં શી વિસાત છે ? ત્સ્યેન્દ્રે જાણી જોઈને જ આ