પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૮
ગુલાબસિંહ.

સ્થલે એ ગ્રંથ ઉઘાડી રાખ્યો હોય એમ લાલાજીને લાગ્યું; તથા એમ પણ લાગ્યું કે ગુરુ જે કહેતા હતા તે કરતાં કસોટી તો બહુ જુદાજ પ્રકારની છે, વાસ્તવિક રીતે તો ધીરજની કસોટી કરવાને બહાને હીંમતની કસોટી કરવાની વાત છે. સાહસ નહિ પણ ભય એજ જ્ઞાનનો શત્રુ છે. ત્યારે તો શી ફીકર છે ! જે તાકામાં પેલા કુંભ ગોઠવેલા હતા ત્યાં લાલાજી ગયો અને જરા પણ ક્ષોભ પામ્યા વિના એણે એક કુંભનું ઢાંકણું ઉઘાડ્યું. તુરતજ આખો ઓરડો સુગંધમય થઈ ગયો. હવામાં જેમ હિરાકણીનો ભુકો પડતો હોય તેમ ચળકાટ થવા લાગ્યો. કોઈ અમાનુષ આનંદ એના અંગમાં ઉદય પામ્યો, અને પોતાનું આખું જીવિત જાણે આત્મમયજ હોય એવું ભાન એને થઈ ગયું. આખા ઓરડામાં ધીમે ધીમે કોઈ અતિ મધુર તથા હૃદયભેદક ગાન સંભળાવા લાગ્યું, એજ ક્ષણે બહાર કોઈનો શબ્દ સંભળાયો, ને તેને પોતાને કોઈ બોલાવે છે એમ લાગ્યું. તુરતજ બારણું ઠોકાયું અને “મહેરબાન ! અંદર છો કે ?” એમ ગુરુદાસનો સ્પષ્ટ શબ્દ લાલાને કાને પડ્યો. કુંભને ઝટ બંધ કર્યો, અને ગુરુદાસને કહ્યું કે તમે મારા ઓરડામાં જઈને બેસો. ગુરુદાસ ગયો ત્યાં સુધી લાલાજી ઓરડામાં રહ્યો, ને પછી બહાર નીકળ્યો; બારણું બંધ કરતાં પણ એને પેલું દિવ્ય ગાન સંભળાયાં જતું હતું, આનંદપૂર્ણ હૃદયે અને બહુ હલકે પગલે લાલાજી ગુરુદાસ પાસે ગયો, પણ જતાં એણે દૃઢ નિશ્ચય કર્યો કે જ્યારે કોઈ આવું ભંગાણ પડાવે એવો સંભવ ન હોય ત્યારે પાછું અંદર પેસવું અને પૂરે પૂરો અનુભવ કરી લેવો.

જેવો લાલાજી અંદર આવ્યો તેવો જ ગુરુદાસ બહુ આશ્ચર્યથી ચમક્યો, અને બોલ્યો કે “અહો ! મારા મહેરબાન ! આપ તો ખરેખરા બદલાઈ ગયા છો ! જવાનીને આનંદની મઝાનો રંગ જુદોજ લાગતા જણાય છે ! કાલે તો તમે એવા ફીકા અધમુઆ જેવા હતા; પણ પેલી દેવાંગનાની મધુર દૃષ્ટિએ તો આજ તમને સ્પર્શમણિ કરતાં પણ વધારે લાભ કર્યો જણાય છે.” આ. સાંભળતાંજ લાલાજીએ પાસેના એક દર્પણમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને એને પણ ગુરુદાસના જેટલું જ આશ્વર્ય લાગ્યું. વિચારના ભારમાં વળી ગયેલું પોતાનું શરીર એને હવે બરોબર સીધું અને અક્કડ જણાયું; આંખો ચળકારા મારતી લાગી; ને અંદરના આનંદથી તથા નિરામયત્વના ઉત્પ્લવથી ગાલ અને ભાલ અતિ તેજસ્વી જણાયાં. રસાયનની ગંધમાત્રથી જ આટલું બધું થયું તો તેના પાનથી નવીન જીવન અને નિત્યયૌવન થાય એમાં સંશય નહિ.