પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૦
ગુલાબસિંહ.

સંભવ લાગવા માંડ્યો. એણે નિશ્ચય કર્યો કે અહો વનલીલા ! તારી વસંતનો બહાર એજ મારે નિરંતર અનુભવવો છે, તારો હેમંત કદાપિ દેખવો નથી, આવા વિચારના તરંગે ચઢી ચાલતાં ચાલતાં લાલો જંગલની બહાર આવ્યો. ખેડેલાં ખેતરમાંથી જતે જતે એક નાની ઝુંપડી એની દૃષ્ટિએ પડી, તેનું બારણું ખુલ્લું હતું; અંદર એક છોકરીને રેંટીઓ કાંતતી એણે દીઠી. પેલી છોકરીએ સહજજ મોં ઊંચું કર્યું, પાધરીજ આનંદથી જરાક ચોંકી લાલાજીની તરફ ધસી, અને એની કોટે વળગી પડી. એજ પેલી જન્માષ્ટમીની રાત્રીની ગોપિકા.

“ધીમેથી વાત કરજો, મારી મા અંદર ઉંઘે છે. મને ખાત્રી હતી કે તમે આવશોજ; તમારા પ્રેમને આધીન છું.”

“ત્યારે તેં મારા વિષે વિચાર કર્યો જણાય છે !”

“વાહ ! મને બીજો વિચારજ આવ્યો નથી. મારા પ્યારા ! હું તમને નથી સાંભરતી ?”

“મારા દિલમાં જેટલી જગા છે તે તારાથીજ ભરપૂર છે.”

“મારે પણ એમજ છે; પરંતુ પ્યારા ! તમે તો થોડા જ વખતમાં જુદા પડશો, ને હું—”

આટલે સુધી વાત આવી ત્યારે તો 'લાલાજીને વિચાર પડ્યો. આ ગોપીમાં કાંઈ મા જેટલી કાન્તિ ન હતી, પણ એની કાન્તિ માના જેટલી જ પ્રિયકર હતી, ક્વચિત્ એમ પણ મનાય કે 'લાલાની મા પ્રતિ જે વૃત્તિ હતી તે શુદ્ધ પ્રેમ ન હતો; અથવા માથી જે વૃત્તિઓ ઉદય પામી હતી, તે એવી તીવ્ર અને ગાઢ ન હતી કે જેને પ્રેમનું નામ ઘટે તેમ હો, પણ આ રમણીનાં કાળાં વિશાલ નયન જોતાં એને એમ લાગતું હતું કે હું એનોજ છું.

“ત્યારે તું આ તારા પહાડી રહેઠાણને બદલશે નહિ ?”

“એમાં મને શું પૂછે છે, તું જાણે છે. અમે પર્વતવાસિનીઓ કેવી છીએ તે ? તમે શહેરી લોક તે તો વચનના પણ જૂઠા, પ્રેમનું નામમાત્ર વાપરી એક ક્ષણભર મઝા શોધનારા ! અમે તો બોલ્યાં તેજ બોલ્યાં, અમારે તો પ્રેમ એજ જીવિત છે. આ સ્થાનને તજું ? ભલે, પણ મારો સ્વભાવ તો નહિજ તજાય.”