પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૧
કોઠી ધોવાથી કાદવ.

“તારો સ્વભાવ નિત્ય સાચવજે, તે તો બહુ મધુરો છે.”

“તું મધુર હોય ત્યાં સુધી મધુર; તું અમથી જુદો થાય તો અતિ ઉગ્ર, અમે આ સ્થાનની કુમારિકાઓ કેવી છીએ તે કહું ? જેને તમે પહાડી લૂંટારા કહો છો તેની છોકરીઓ હોઈ અમે અમારા પ્રિયતમની સહચરીઓ થવા ઈચ્છા રાખીએ છીએ. ભયમાં તમારી સાથે રહીએ છીએ, સુખમાં તમારી ગુલામ થઈ સેવા કરીએ છીએ; અમે કદાપિ વિકાર પામતી નથી; ને જે વિકાર પામે તેના ઉપર તીવ્ર વૈર વાળવા ચૂક્તી નથી. અમને ગાળ દો, મારો, કચરો, બધું સહન કરીએ, પણ અમારાથી લેશ પણ જુદાઈ કરો, તો કોઈ વાઘણ પણ એવી ક્રૂર ન હોઈ શકે. કેમ હવે તને મારા ઉપર પ્રેમ આવે છે ?”

આ ચતુરાઈથી લાલાજીને કાંઈ ભય લાગવાને બદલે ઉલટું સારું લાગ્યું, અને એણે કહ્યું “હા.”

“હા”–વાહ લાલા ! “હા” –બધાં વગર વિચારનાં તાઉ સ્વભાવનાં માણસ આવા ગુલાબી અધરે કરેલી પ્રાર્થનાને “હા” જ કહે; પણ જરા વિચાર, વિચાર ! તું કોણ છે ? રે ત્સ્યેન્દ્ર ! શા માટે તું તારા જવાન શિષ્યને આમ રખડવા દે છે ? આવા ભયની સમીપ જવા દે છે ? ઉપવાસ અને ઈંદ્રિયદમનના ઉપદેશ કર; તે બધા તું કરોડો કે કોણ જાણે કેટલાં વર્ષનો ટરચો તે પાલી શકે, પણ પચીસ વર્ષની વયે તો તને પણ તારા ગુરુએ આમ અથડાવા દીધો નહિ હોય !

એવી જ વાતોમાં એ બન્ને ત્યાંને ત્યાં ગળી ગયાં, પેલી છોકરીની માએ ઓરડીની અંદર કાંઈ ખળભળાટ કર્યો ત્યારેજ બન્ને જુદાં પડ્યાં, અને એ બાલા પાછી પોતાને રેંટીએ જઈ બેઠી.

ઘર તરફ વળતાં લાલાજી વિચાર કરતો ચાલ્યો કે “ત્સ્યેન્દ્રનામાં હોય તેના કરતાં તો આ બાલિકાનામાં વધારે જાદુ છે, છતાં મને ખાતરી નથી કે વૈર વાળવાને આટલી બધી તત્પર હોય એવી પ્રતિમા મને અત્યંત પસંદ પડે કે નહિ. પણ જેના હાથમાં ખરી કૂચી આવવાની છે તે એક સ્ત્રીનું વૈર પણ હરાવી શકે, ને બધા ભયમાંથી બચી શકે, એ સહજ છે.”

વાહરે વાહ ! શું તું ત્યારે તારા ગુરુથી પતિત થવા ઈચ્છે છે ? તેં તેની સામે થવા નિશ્ચય કર્યો છે ? ખરેખર ગુલાબસિંહ ! તેં એના વિષે એક વાર બરાબર કહ્યું હતુ કે “કોઠીને ધોવાથી તો કાદવજ નીકળે.”