પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૬
ગુલાબસિંહ.

રાખવી પડે છે તેમાં જે સુખ પડતું તે માટે તે ઉપકાર માનતો, અને પોતે જે સુખ પેદા કરે તેનો ગર્વથી વિચાર કરવા થોભતો નહિ. તેની પાસે જે જે આવે તેના પ્રતિ તેનો સ્વભાવ શાન્ત અને મૃદુ રહેતો. એના મોંમાંથી ક્રોધનો શબ્દ કદાપિ નીકળતો નહિ, એની દૃષ્ટિમાં કોપના આવેશનો વિકાર કદાપિ જણાતો નહિ.

જે સ્થલે ગુલાબસિંહ અને મા રહેતાં હતાં ત્યાં ચોર લોકોનું ભય હતું. એ ભય એક વાર તેમને માથે પણ આવી પડ્યું. ગુલાબસિંહના માણસોએ પોતાના ધણીની સમૃદ્ધિની વાતો કરી હશે તેથી ચોર લોક લલચાયા. એક વખત રાત્રીએ મા સુઈ ગઈ તે પછી નીચે કાંઈ ખડખડાટ થવાથી જાગી, તો ગુલાબસિંહ સોડમાં હતો નહિ એટલે ભયભીત થઈ કાન માંડી રહી. કોઈકે અરેરે ! એમ કર્યું હોય તેવો ભણકારો એને સંભળાયો, પણ પછી બધુ શાન્ત થઈ ગયું. ધીમે ધીમે ચાલતાં કોઇનાં પગલાં સંભળાયા, અને ગુલાબસિંહ નિત્યના જેવી શાન્ત મુખમુદ્રાથી અંદર આવ્યો; માને કાંઈ ભય લાગ્યું હશે તે વાત સરખી પણ લક્ષમાં ન આવી હોય તેમ એની પાસે આવીને બેઠો. પ્રાતઃકાલે બારણાં આગળ ત્રણ મડદાં પડેલાં હતાં, ને બારણાં ભાંગી ગયેલાં હતાં લોકોએ એ ત્રણેને એ સ્થાનના બહુ નઠારામાં નઠારા ચોર રૂપે ઓળખ્યા, અને જંગલ તરફ વળી જતાં ઘણાંક પગલાં ઉપરથી એમ અનુમાન કર્યું કે પોતાના મુખ્ય નાયકને મુંવા જોઈ બીજા ચોર નાશી ગયા હશે. પણ એ ત્રણ મરણ વિષે જ્યારે દરબારી માણસો તરફથી તપાસ થઈ ત્યારે જે ઘણી આશ્ચર્યકારક વાત માલુમ પડી તે એ હતી કે એ ત્રણેના શરીર ઉપર મરણ નીપજાવે તેવી ઈજાની કશી નીશાની હતી નહિ. આવું જોતાંજ સર્વને બહુ આશ્ચર્ય થઈ ગયું, અને તેજ ક્ષણથી ગુલાબસિંહનું ઘર અને તેની આસપાસનું સ્થલ એક નિર્ભય પવિત્ર સ્થાન થઈ રહ્યું. આસપાસના ગામડીઆને એ સ્વજન જે પ્રિય હતો; તેમની ભાષા અને તેમનાં દુઃખ તેનાથી લેશ પણ અજાણ ન હતાં, અને તેમના પ્રતિ તેમનો હાથ સર્વદા દાનપરાયણ રહેતો. એ લોક એને અત્યારે અનેક આશિષ આપવા લાગ્યા. એટલે સુધી કે એ તે સ્થાનેથી ગયો ત્યારે પણ જે ગાઢ વૃક્ષકુંજોમાં એ બેસતો તે વૃક્ષોને બતાવી તે લોક એની ભવ્ય પ્રતિમાનું સ્મરણ કરતા અને એના નામને એક દેવતાના નામ તુલ્ય ગણી માનતા ચઢાવતા. પણ ગુલાબસિંહ એવી છૂટી છૂટી વૃક્ષકુંજોમાંજ બેસતોજ, વિહરતો એમ ન હતું. પૂર્ણિમાની મધ્યરાત્રીએ તે