પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૮
ગુલાબસિંહ.

માત્ર મને સમજાય છે; પણ તોએ તું જ્યારે એમ કહે કે “પ્રિયે ! હું તારોજ છું ત્યારે જે આનંદ સ્ફુરે છે, જે સુખ થાય છે, તેના આગળ તે કશા હીશાબમાં નથી.”

“ત્યારે એમ કેમ બનતું હતું કે આથી પણ વધારે ઉણાં એવાં સ્વપ્નો તને એક સમયે બહુ આકર્ષક લાગતાં હતાં ? એમ કેમ થતું હતું કે તે તારા હૃદયમાં વ્યાપી રહી તારી કલ્પનાને અનેકાનેક પ્રકારે દોરતાં હતાં ? એક સમયે તું આ દુનીયાંની બહારની સૃષ્ટિ માટે તલસી રહી હતી; હવે તું માત્ર સ્થૂલ અને અનિત્ય સુખથીજ સંતોષવાળી બેઠી છે એ શું ?”

“મેં એ વાત તો તને ક્યારનીએ સમજાવી છે. પ્રેમ કરવો અને પ્રેમપાત્ર થઈ તેની સમીપ વસવું એને તું સ્થૂલ અને અનિત્ય જીવિત કહે છે ? મારે મન તો એજ આ જગત્‌ની પારની સૃષ્ટિ છે. એ વિના બીજી વાત મારા આગળ કાઢતો ના.”

આવી વાતો કરતાં તે ગંગાને કિનારે ફરતાં હતાં તેવામાં રાત પડી; અને ગુલાબસિંહ પોતાનો ભવ્ય ઉદ્દેશ પડતો મૂકી આ મૃદુવદન ઉપર ચોંટી જઈ એટલું એ ભૂલી ગયો હોય એમ જણાયો કે એક મનુષ્ય હૃદયરૂપ સૃષ્ટિ કરતાં બીજી અનેક અનન્ત સૃષ્ટિઓ નિરવધિ બ્રહ્માંડમાં રમી રહેલી છે.

પ્રકરણ ૮ મું.

દૈવી અને માનુષી પ્રેમ.

પ્રણવબ્રહ્મ ! આત્મજ્યોતિ ! દર્શન દે ! પ્રત્યક્ષ થા.

જ્યાં આદિ ભગવાન્‌ના અનેક વિલાસનું સ્મરણ તાજુ હતું, એવી પ્રયાગવડ પાસેની એક ગુફાના ચારે ખુણામાંથી, ઉપરી સ્થાનમાંથી, સર્વત્રથી, એક મહાતેજોરાશિ પ્રસરતો ચાલ્યો. તારાના તેજથી પ્રકાશી રહેલી રાત્રીએ કોઈ ફુવારાની ઉંચે ઉડતી ઝીણને દૂરથી જોતાં તે જેવી ચળકતી પણ જરા ઝાંખી લાગે તેવો એ પ્રકાશ જણાતો હતો. ગુફાની ભીંતો, ખૂણા ફાટો, મુખ; — સર્વત્ર તે પ્રકાશ છવાઈ ગયો, અને ગુલાબસિંહના વદન ઉપર ફીકો અને અસ્થિર વિસ્તરી રહ્યો.