પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૩
સ્થાનાતર.

“કેમ !”

“સૂર્ય આપણી નજરથી અસ્ત થયો, પણ અન્યત્ર ઉદય પામ્યો. આ દુનીયાંમાંથી મરી જવું તે પર દુનીયાંમાં અવતરવુંજ છે. રે પ્રેમી — રે સ્વામી !” મા એકાએક થઈ આવેલા વેગથી બોલવા લાગી “એક વાર એમ કહે કે તું માત્ર મશ્કરીજ કરતો હતો, મારા જેવી ઘેલીને બનાવતો હતો. મહામારિ કરતાં પણ તારા બોલવામાં વધારે ભય છે.”

ગુલાબસિંહ ભમર ચઢાવીને મા તરફ થોડી ક્ષણ મૌન જોઈ રહ્યો, અને પછી ઠપકો દેતો હોય તેમ કરડે શબ્દે બોલ્યો “મારો અણવિશ્વાસ આવે એવું મારામાં તે શું દીઠું ?”

“કશું નહિ, કશું નહિ, – માફ કર” એમ બોલતી મા ગુલાબસિંહની છાતી ઉપર પડી ડુસકાં ખાતી બોલવા લાગી કે “તારા વિષે ગેરવાજબી ખોટો વિચાર થાય એવાં તારા પોતાનાં વચન પણ હું નહિ માનું.” ગુલાબસિંહે માનાં અશ્રુ ચુમી નાખ્યાં, પણ કાંઇ ઉત્તર ગાળ્યું નહિ.

“અને” માએ નિર્દોષ અને વશ કરી લે તેવા સ્મિત સમેત કહ્યું “જો એ મહામારિમાંથી બચી જવાય એવું કાંઈ તુ મને આપશે તો તે હું લેઈશ;” અને એમ કહેતાં ગુલાબસિંહની કોટે એક જૂનું માદળીયું હતું તેના ઉપર એણે હાથ નાખ્યો ને બોલવા લાગી કે “પ્યારા ! તું જાણે જ છે કે આને લીધે જ મને તારા ભૂતવૃત્તાન્ત વિષે કેટલીક વાર ઈર્ષ્યા પેદા થયેલી છે. ખરેખર ગુલાબસિંહ ! એ કાંઈક પ્રેમચિન્હ છે ! પણ ના ના, એ ચિન્હ આપનારીને તું ચહાતો હો તે કરતાં મને વધારે ચ્હાય છે. હું એ માદળીયું ચોરી લઉ ?”

“બાલક !” ગુલાબસિંહે આર્દ્રભાવે ઉત્તર આપ્યું “જેણે એ માદળીયું મારે ગળે બાંધ્યું છે તેણે તો તે એક તાવીજ જાણીને બાંધ્યું છે કેમકે તે પણ તારા જેવીજ વહેમી હતી; પરંતુ મારે તો એ તાવીજ કરતાં પણ વધારે છે – એ અતિ મિષ્ઠ ભૂતકાલનું એક સ્મરણ છે, ભૂતકાલ કે જેમાં મારૂં પ્રેમસ્થાન મારો અવિશ્વાસ ધરતું નહિ.”

આ પાછલા શબ્દો ગુલાબસિંહ એવી સખેદ કરડાકીમાં પણ આર્દ્રતાથી બોલ્યો કે તે માના હૃદયમાંજ ચોંટી ગયા; પણ જેવી તે પોતાના ઉભરાતા ઉદ્‌ગારને બહાર કાઢવા જતી હતી તેવોજ એનો સ્વર બદલાયો અને ગંભીર