પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૬
ગુલાબસિંહ.

તરંગ ૫ મો.

પ્રકરણ ૧ લું.

રક્તબીજ કેમ શમે ?

ગુરુદાસને લાલાજીના બીછાના આગળ મુકીને આપણે આટલે સુધીનો ગુલાબસિંહ અને માનો વૃત્તાન્ત જોઈ ગયા. લાલાજી જાગ્યો કે તુરત તેને ગતરાત્રીનું તાદૃશ સ્મરણ થઈ આવ્યું, એટલે તેણે એક ચીસ પાડી, અને આંખે હાથ દઈ દીધા. ગુરુદાસે પાસે આવી, રામ રામ : એમ મહોટેથી ઝવાર કર્યા. આ માણસના ઉંચા, દીર્ઘ, અને ગાઢ સ્વરે લાલાના સ્મરણમાં જે ભયંકર દેખાવ રમતો હતો તે ઉરાડી દીધો. લાલાજી બીછાનામાં ટટ્ટાર બેઠો થયો અને પૂછવા લાગ્યો, “તમે મને ક્યાંથી આણ્યો ? તમે અહીં ક્યાંથી ?”

“ક્યાંથી આણ્યા ! — આણે ક્યાંથી ! તમે સુતેલાજ હતા. હું અહીં ક્યાંથી મને મહારાજે કહ્યું છે કે અહીં બેસવું અને તમે જાગો ત્યારે તમારી તહેનાત બજાવવી.”

“મહારાજ — ત્સ્યેન્દ્ર ? આવ્યા છે શું !”

“આવ્યા અને ગયા પણ; અને તમારે માટે આ પત્ર મૂકતા ગયા છે.”

“લાવો, અને હું લુગડાં પહેરી કરીને તૈયાર થાઉં ત્યાં સુધી જરા બહાર બેસો.”

“જેવી આપની આજ્ઞા, આપને માટે મેં ભોજનની તૈયારી કરી છે. આપને ભુખ લાગી હશે. મને પાકશાસ્ત્રનું જ્ઞાન નથી એમ નથી – ગોસ્વામીના દીકરાને હોઈ શકે તેટલું તો છેજ- મારા હાથની દાળ આપ જમશો ત્યારે જાણશો. હું જરા ગાઉ તેથી આપને હરકત નહિ થાય એમ હું માનું છું મને રસોઈ કરતાં જરા તાન મારવાની ટેવ છે. કેમકે તાનની અસરથી દાળનો પાક એકરસ સારો થાય છે.” એમ કહેતો કહેતો ગુરુદાસ પોતાની બંધુક ખાંધે ચઢાવી બહાર જઈ બેઠો. લાલાજી તો ક્યારનોએ નીચેના પત્રમાં ગ્રસ્ત થઈ ગયો હતો :—