પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૭
રક્તબીજ કેમ શમે ?

“પ્રથમ પ્રયોગમાંજ મને એમ જણાવ કે તું, અમારા સંઘની નહિ, પણ તે સંઘમાં પેસવાના પ્રયાસમાં ખપી ગયેલાની સંખ્યામાં ઉમેરો કરે તેવો છે, તો તને એવા નિષ્ફલતાના મહાકષ્ટમાં ન પડવા દેતાં દુનીયાંમાં પાછો વિદાય કરી દેવો, એવું વચન તને અત્રે આવવા દેતી વખતે મેં ગુલાબસિંહને આપેલું છે. તે વચન હવે હું પાળું છું. આજ પર્યંત કોઈ પણ શિષ્યને ચઢાવવામાં આવ્યો હોય તે કરતાં સહેલામાં સહેલી કસોટીએ મેં તને ચઢાવ્યો હતો. મેં તારી પાસે બીજું કાંઈ નહિ પણ જુજ મનોનિગ્રહજ માગ્યો હતો, વિષયથી દૂર રહેવાનું માગ્યું હતું, અને તારાં શ્રદ્ધા અને ધૈર્યની કસોટી કરવી ધારી હતી. જા, તને જે ગોગ્ય છે તેવા સંસારમાંજ જા, અમારા સ્વભાવમાં ભળવા જેવો તારો સ્વભાવ નથી.”

ગુરુદાસ તને જન્માષ્ટમીના રાસમાં સહકાર આપે એવી સૂચના મેં જ તેને કરી હતી. મારી આજ્ઞાનો ભંગ કર્યા વિના તું જેને ઉઘાડી ન શકે એવું પેલું પુસ્તક પણ મેંજ તારી નજરે પડે તેમ મૂક્યું હતું. તેં જોયું કે જ્ઞાનના ગુહ્યાગારને ઉમરેજ શું અનુભવાય છે ? જેને ઈંદ્રિયો પોતાના વશમાં રાખી રહી નચાવે છે તેવાનો કટ્ટો શત્રુ જે એ સ્થાને રક્ષા કરે છે તેને તેં સારી રીતે જોયો છે. તને હવે આશ્ચર્ય શા માટે લાગે છે ? કે હંમેશને માટે તને બહાર કાઢી હું બારણું બંધ કરૂં છું; છેવટ પણ તને સમજ નથી પડતી કે બાહ્ય સાધનો કે મંત્રોથી નહિ, પણ અંતરંગ એવી પોતાનીજ ભવ્યતા અને મહત્તાથી વિશુદ્ધ, વિરજ, ઉન્નત, થયેલો આત્મા એ રક્ષકનો તિરસ્કાર કરી ઉમરો વટાવી શકે છે ? મૂર્ખ ! મારૂં શાસ્ત્ર અને જ્ઞાન, ઉદ્ધત, ઈંદ્રિયગ્રસ્ત, નીચ સ્વાર્થ અને વિષયસુખ અર્થે એ જ્ઞાનને ભ્રષ્ટ કરવાને તેની ઈચ્છા કરનાર – તેમને કદાપિ કામ આવતું નથી. જે રહસ્ય જાણ્યાથી તમોગુણને બદલે સર્વનો ઉદય થવો જોઈએ તે જાણવાના પ્રયાસમાં પૂર્વના ઢોંગ કરનારા અને કહેવાતા માલિકો કેવા ફસાયા છે ને નાશ પામ્યા છે તેની તને ખબર નથી ! તેમણે સ્પર્શમણિ પ્રાપ્ત કર્યાની વાતો કરી છે, છતાં ચીંથરે હાલ મુવા છે; કાલને પાછો હઠાવનાર રસાયનનું પાન કર્યાના તડાકા માર્યા છે પણ વૃદ્ધાવસ્થા પૂર્વેજ વૃદ્ધ થઈ ફીટી ગયા છે; ભૈરવીચક્રની ભ્રમણામાં ફસાઈ શક્તિનો પ્રસાદ પામ્યાનો દાવો કરવા છતાં તે મરી ગયા છે; દેવતા અને દેવની પ્રસન્નતાથી ફૂલાયા છે, પણ ધૂળની પેઠે અટવાઈ જઈ પાછળ નામ પણ મૂકી ગયા નથી. કથાઓથી તું જાણતો હશે કે તેમણે પોતેજ જગાડેલાં પિશાચોએ તેમને ચૂશી ખાધા હતા, – હા, ખાધાજ હતા, તેમની પેતાનીજ અપવિત્ર