પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭
અણધાર્યો મદદગાર.


સર્વે ભેગાં થઈ આનંદથી જમવાને બેઠાં. અમૃત પાન કરતા ઈંદ્રને પણ, ત્યાં પીરસેલાં કંસાર અને શાકર સાથે અમીર તરફથી આવેલાં પકવાન ખાવાની ઈચ્છા થઈ આવે એવો આ પ્રસંગ થઈ રહ્યો હતો. એક પાટલા ઉપર સરંગીને પણ આ આનંદમય ભોજનનો પ્રસાદ લેવા બેસાડી હતી. તેનું ચળકતું મુખ દીવાના તેજથી ખુબ ભભક મારી રહ્યું હતું; અને સરદાર જેમ જેમ કોળીઓ ભરતો જતો અને આગળ કહેવાની રહી ગયેલી એવી કંઇ કંઈ વાત કહેવાને તેની તરફ જોતો જતો તેમ તેમ તે શાન્ત છતાં પણ ઘણી ગંભીર દેખાતી હતી. તેની ભલી સ્ત્રી ઘણા પ્રેમથી જોયાંજ કરતી હતી; અને આનંદના ઉભરામાં ખાઈ પણ શકતી ન હતી. પણ તે એકદમ ઉભી થઈ, અને પ્રથમથી જ આવા આનંદની આશા રાખી ગુંથી રાખેલો ગુલાબનાં ફૂલનો હાર પોતાના પતિના ગળામાં તેણે પહેરાવ્યો. મા પોતાના પિતાના ગળામાં તે હાર બરાબર ગોઠવતી ગોઠવતી સરંગી તરફ હાથ કરી ધીમેથી બોલી કે પ્રિય પિતા ! હવેથી આની પાસે મને કદી પણ ઠપકો દેવરાવશો નહિ.

આ પછી સર્વ સુતાં તેની સાથે મા પણ પોતાના ઓરડામાં સુતી, માની ઊંઘ વધારે વાર ચાલી નહિ, અને નજ ચાલે. ગર્વ અને તે ઉપરાંત મળેલો જય તેનો મદ, તથા જે સુખ પોતે પેદા કર્યું તેનો આનંદ, એ નિદ્રા કરતાં વધારે ભોગવવા યોગ્ય હતાં. પણ આ બધામાંથીએ તેના વિચાર વારંવાર જે શ્યામ નયન એક વાર જોયાથી મનમાં રમી રહ્યાં હતાં તે તરફ જવા લાગ્યા; અને પોતાના જય સાથે અભેદરૂપે જોડાઈ ગયેલું જે મધુર મંદસ્મિત હૃદયમાં સમાઈ રહ્યું હતું તે તેને પ્રત્યક્ષ થવા લાગ્યું. તેની વૃત્તિઓ પણ તેની પ્રકૃતિ પ્રમાણે વિલક્ષણ હતી, દૃષ્ટિદ્વારા પ્રથમજ ભેદાયલું કોઈ કુમારિકાનું હૃદય પોતાની પ્રેમવૃત્તિ સ્વાભાવિક રીતે રડી બતાવતું હોય તેવી માની વૃત્તિ ન હતી. એના ચપલ મનોભાવના તરંગે તરંગે છવાઈ રહેલું વદન અલૌકિક પ્રકારની ગંભીરતા અને સૌંદર્યથી ભરેલું હતું તથાપિ પણ એને તેથી આશ્ચર્ય લાગતું ન હતું; તેમ તે પરદેશીનું સ્મરણ કોઈ પ્રકારના મોહ અથવા આનંદપૂર્વક પણ થતું ન હતું. એના મનમાં ઉપકાર અને તેથી ઉત્પન્ન થયેલા હર્ષની વૃત્તિજ પ્રબલ હતી; પણ તેની સાથે ભય અને માનની કોઈ એક ગહન છાયા પણ ગુંથાઈ રહેલી હતી. એણે તે આકૃતિ પહેલાં પણ જોયેલી હતી એ તો નક્કી. પણ ક્યારે જોઈ હોય