પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૧
રક્તબીજ કેમ શમે ?

ઢોંગી ધૂતારો છે, અને પોતે આપેલાં વચનો પૂરાં કરવાનું સામર્થ્ય નથી માટે આમ યુક્તિ કરી છટકી જાય છે. વળી તેના પાત્રમાં જે જે રહસ્યરૂપ સૂચનાઓના ઈશારા હતા, તે ઉપર ફરીથી વિચાર કરતાં તેને એ બધી વાતો રૂપક જેવી જ લાગી. પ્રાચીન કાલના જાદુગરો, ત્રાંત્રિકો, ને માંત્રિકો, તેમના કલ્પિત ગપાટા જેવી જ લાગી. ધીમે ધીમે એમ પણ લાલાજીને લાગ્યું કે જે રક્તબીજને મેં પ્રત્યક્ષ જોયો છે તે પણ શું ? માત્ર ત્સ્યેન્દ્રના કોઈ જાદુથી કલ્પેલું એક પિશાચ ! કલ્પનાજ ! કલ્પનાનો ખેલજ ! એમ અત્યારે ચોતરફથી ઝળઝળાટ પ્રકાશી રહેલા સૂર્યે ગતરાત્રિનું ભયમાત્ર ઉરાડી દીધું; સહજ ગર્વથી અને તાત્કાલિક ક્રોધના આવેશથી એની સહજ હીંમત તેજ થઈ; એટલે લુગડાં પહેરી જ્યારે ગુરુદાસ તરફ પોતે ચાલ્યો ત્યારે તેના પગ ગર્વથી જોરભેર ઉપડવા લાગ્યા, અને તેના ગાલ કોઈ પ્રકારના ક્રોધાવેશથી રાતા થઈ ગયા.

“ત્યારે ગુરુદાસ ! – મહારાજ ! તારો મહારાજ તેણે તને આજ્ઞા કરેલી કે જન્માષ્ટમીના રાસમાં મને લઈ જઈને રમાડજે ?”

“હાજી, એક દૂબળા સાથે તેમ કહાવ્યું હતું, એથી મને બહુ આશ્ચર્ય લાગ્યું હતું. કેમકે હું એમ ધારતો હતો કે એ ઘણું દૂર ગએલા છે. પણ એવા મહાપુરુષો હજાર બે હજાર કોશનો હિસાબ ગણતા નથી.”

“ત્યારે તેં મને ખબર શા માટે ન આપી ?”

“કારણ કે સંદેશો લાવનારે ના કહી હતી.”

“તને સંદેશ લાવનારો રાસ ચાલતો હત્યાં ત્યાં હતો કે નહિ ?”

“નાજી.”

“હાં ?”

“આ ભાણું પીરસીને તૈયાર કર્યું છે.” ગુરુદાસે લાલાજીની થાળી પીરસતાં કહ્યું “આ પ્યાલો પણ તૈયાર ભર્યો છે,– હવે – મહારાજ ગયા – શી ફીકર છે ! (એમ કહેતાં પણ ચોતરફ ભયભીત નજરે જોવા લાગ્યો) હું કાંઈ એમનું અપમાન નથી કરતો - પણ હવે એ ગયા એટલે તમે વિચાર કરો, કે આ તમારી જવાની શા કામની છે ! આ ખંડેરમાં દટાઈ રહીને કોઈ મહાત્મા જે વાત કબુલ ન કરે તેવા અભ્યાસમાં શરીર અને જીવ બેયનું જોખમ વહોરવા માટેના ઉપયોગની તો નથી જ.”

“ત્યારે શું મહાત્માઓ તારા ધંધાને પસંદ કરે છે ? ગુરુદાસ !