પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૨
ગુલાબસિંહ.

“જેના ખીસામાં જોઈએ તેટલી મહોરો છે, તેણે બીજાની છીનવી લેવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી. અમારા જેવા ગરીબની તો જુદી વાત છે. પણ તેમ છતાં હું મારી પેદાશની દસુંદ વૈષ્ણવના મંદિરમાં મથુરા મોકલવા ચૂકતો નથી; ને બાકીનું હોય તે સર્વ સાથે વહેંચીને ખાઉં છું. પણ મેહેરબાન ! ખાઓ, પીઓ, મોજ કરો, ને કાંઈ આડું અવળું થઈ જાય તેને માટે કોઈ ગોરમહારાજ બતાવે તે પ્રાયશ્ચિત્ત કરી લો – પણ આમ એકાએક ઝપાટો કરવો નહિ એમ મારી સલાહમાં તે આવે છે. નકામા ઉપવાસ કરવાથી તો તબીયત બગડે, ને વળી મગજ તપી જવાથી ગમે તેવાં પિશાચ નજરે આવે !”

“પિશાચ !”

“હા, હા, ભૂખ્યાને ગમે તેવા તરંગ આવે, ઈર્ષા, દ્વેષ, ચોરી, લૂંટ, ખૂન એ બધાં ભુખે મરતાને થાય, ભુખે મરતો ભાલે મરે. પેટ તર હોય ત્યારે બધી દુનીયાં વહાલી લાગે. હા, આપ બેસો, ઉની વેઢમી ઉતરે એવી મૂકું. જ્યારે મારે બે ત્રણ દિવસના કડાકા થાય છે ત્યારે હું વાઘ જેવો વિકરાલ બની જાઉં છું, અને વળી તરેહવાર ભૂતડાં પણ નજર આગળ નાચતાં દેખું છું. ભુખે મરવાથી એવું દેખાયજ !”

લાલાને એમ લાગ્યું કે આ જંગલી બેવકુફનાં વચનમાં કોઈ ગુહ્ય તત્ત્વવિવેક સમાયલો છે. એવો વિચાર થયો એટલુંજ નહિ પણ તે વાતનું પ્રત્યક્ષ પ્રમાણ પણ થયું કે જેમ જેમ પોતે જમતો ગયો તેમ તેમ ગતરાત્રીનું ઈતિવૃત તથા ત્સ્યેન્દ્ર પોતાને તજી ગયાથી તેના ઉપરનો ક્રોધ એ બધું શાન્ત પડતું ચાલ્યું. બારી ખુલ્લી હતી – વિશ્વમાત્ર આનંદમાં હતું – ગુરુદાસ પણ તેવાજ આનંદની લહરમાં હતો. સાહસ, યાત્રા, રામા, ઇત્યાદિ અનેક વાતો વિષે ગુરુદાસ એવી લટકથી લલકારતો હતો કે એના કહેવામાં હરકોઈ સાંભળનારને પણ રસ પડ્યા વિના રહે નહિ. પણ જ્યારે ગુરુદાસે પેલી અષ્ટમીની ગોપિકાનાં નેત્ર અધર દંત આદિનાં વર્ણન આલાપવા માંડ્યાં ત્યારે તો લા'લાજી ગરકજ થઈ ગયો.

ગુરુદાસ પ્રત્યક્ષ પશુવૃત્તિની જ મૂર્તિ હોય તેવો હતો. મહા તપશ્ચર્યા કરતા ઋષિ મુનીઓનો તપોભંગ કરવામાં ઈંદ્રને એના જેવો સહાય હોત તો બાકી ન રહત. એટલે એના સંભાષણની અસર લાલાજીને કેવી અને કેટલી થાય તે સમજવાનું સહજ છે. પરંતુ જ્યારે ગુરુદાસ ફરી આવવાનું વચન