પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૪
ગુલાબસિંહ.

ત્યાં ચિત્રગુપ્ત પોતાને ચોપડો લઈ તેનાં શુભાશુભ કર્મનું વર્ણન કરી, તેને આગળ સ્વર્ગમાં જવા દેવું કે નરકમાં નાખવું એનો નિર્ણય માગે છે, એ વૃત્તાન્ત યથાર્થ ચીતરવાની આ સમયે લાલાજીને કલ્પના થઈ હતી. લાલાજીને ખબર ન હતી પણ આ પુરાણકથાનો ગૂઢાર્થ ત્સ્યેન્દ્રે, પુસ્તકોમાં ન મળી શકે તેવા અનેક વાસ્તવિક ખુલાસાથી સમજાવ્યો હતો, તેનો સંસ્કાર પોતાના મનમાં જે પડેલો તેજ આ પ્રકારે પ્રકટ થઈ કલ્પનાને પ્રેરતો હતો. એક ઘણા બલિષ્ઠ, અને વિસ્તીર્ણ રાજ્યનો માલીક કોઈ મહારાજા છે, તેનું પ્રેત ધર્મસભામાં ઉભું છે; એની સામે જીવતાં તો પવન પણ વિરુદ્ધ વાયો ન હતો તો મનુષ્ય તો એનું અવળું બોલ્યાં હોય એવો સંભવજ ક્યાં ? — પરંતુ હવે ભોંયરામાં સાંકળેલા નિરપરાધી જીવોનાં શુષ્કપ્રેત, નિર્દોષ કુમારિકાઓની પ્રકોપિત આકૃતિઓ, ગરદન મારેલા, કાપી નંખાવેલા અનેક મનુષ્યનાં ખોખાં, ચિત્રગુપ્તની પાસે ઉભાં છે; અને ચિત્રગુપ્ત તે રાજાને ઈતિહાસ વાંચતાં તેમની સાક્ષી પૂરાવે છે, — એ વૃત્તાન્ત લાલાજીની કલ્પનામાં તાદૃશ થઈ ચિત્રરૂપે બહાર આવવાની તૈયારીમાં હતો.

તારી કલ્પનાના નિર્મલ પ્રકાશ ઉપર ગુપ્તવિદ્યાનાં સાધનોએ જે ઝાંખાપણું આણી દીધું હતું તેમાંથી આવું ભવ્ય ચિત્ર એકાએક ઉદય થયું એ આશ્ચર્ય છે ! રાત્રીનું ભય અને આખા દિવસનો પશ્ચાત્તાપ, તે સર્વનો પ્રત્યાઘાત આવી ભવ્ય કૃતિરૂપે થાય એ અતિ આશ્ચર્ય છે ! વાહ ! કેવી સ્ફૂર્તિથી ને કેવી દૃઢતાથી તારો હાથ ચિત્રની રેખાને આલેખી જાય છે ! સાધનો આવાં અયોગ્ય છતાં કૃતિને જોતાં શીખાઉ કરતાં ઉસ્તાદનો હાથ કેવો સ્પષ્ટ જણાઈ આવે છે. પેલા રસાયનની અસર હજી તો તારા મગજમાંથી ગઈ નથી, પરંતુ જે ઉચ્ચતર જીવિત તને ન મળ્યું તેજ સૂક્ષ્મ સૃષ્ટિનાં સત્ત્વોને તું કેવાં તાદૃશ ચીતરે છે ! –ખરેખર ! કોઈ શક્તિ, જે તારી પોતાની નથી, તેજ આ ભવ્ય સંજ્ઞાઓ તારે હાથે આલેખાવે છે. સ્વર્ગનો દેખાવ દૂર જણાય છે – અને દેવલોક ત્યાંથી ધર્મસભાને વિલોકી રહ્યા છે — આ ધર્મસભા થઈ; ઘણાક દેવ, ઋષિ, રાજર્ષિ, આદિ તેમાં વિરાજે છે — આ એક છેડે પેલો પ્રેત ઉભો છે— ચિત્રગુપ્તની આંખ જરા કરડી થઈ છે ! વાહ ! બહુ સરસ કર્યું ! પેલી કુમારિકા, પેધા નિર્દોષ બંદીવાન, બધાનાં ધૂમ્ર જેવાં ફીકાં પ્રેત આંગળી કરી રાજાના પ્રેતને બતાવવા લાગ્યાં ! અહો ! 'લાલાજી તારી કલ્પના એક અતિ ઉન્નત સત્યનુંજ રૂપક છે, તારી યોજના કોઈ પણ પ્રતિભાવાનને કીર્તિ અપાવે તેવી છે. અધિકાર અને અન્યાયના મદથી અંધ બની પ્રાપ્ત કરેલું વૈર, મુવા પછી પણ, ભોગ થઈ પડેલાં જત વાળ્યા વિના રહેનાર નથીજ ! લાલાજી ! આ ચિત્રરૂપ