પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૫
રક્તબીજ કેમ શમે ?

જાદુ, જ્ઞાન, તેજ, કુલડી અને રસાયનના પ્રયોગ કરતાં વધારે સારૂં છે. ઘડી, બે ઘડી, પ્રહર, અનેક ચાલ્યાં ગયાં, હજુ કામ ચાલતુંજ છે-તેં દીવો પ્રકટ્યો છે-રાત્રીએ પણ તું મંડ્યોજ રહ્યો છે. રે દૈવ ! આસપાસની હવા શાથી ઠંડી હિમ થઈ ગઈ ! દીવો કેમ ઝાંખો પડ્યો ! તને કેમ રોમાંચ થયો ! પેલી-પણે –અરે ! બારીએ ! તારા ઉપર જોઈ રહી છે, પેલા કાળા, અવગુંઠિત, બીભત્સ, સ્વરૂપની – રાક્ષસીક્રૂરતાભરી, મનોવેધક વ્યાપારમાં નિપુણ, આંખો !

લાલાજી અટક્યો, ઉભો થઈ રહ્યો, સ્તબ્ધ થઈ ગયો. એ આંખો કલ્પના ન હતી. એ આંખોવાળી આકૃતિ બોલતી ન હતી, હાલતી ન હતી, પણ એ દૃષ્ટિનો ઉષ્ણ પ્રપાત સહન ન થઈ શકવાથી લાલાજીએ પોતાની આંખે હાથ દઈ દીધા. એકદમ ચમકી ઉઠીને, થરથર ધ્રૂજતાં, એ હાથ એને પાછા લેવા પડ્યા — એ અનામિક સત્ત્વ પોતાની પાસે જ હોય એમ લાગ્યું. એ તો પેલા ચિત્રની પાસે જઈને ઉભું, ને તે જ સમયે પેલી ચિત્રમય આકૃતિઓ જાણે ભીંત ઉપરથી ચમકી ઉઠી. જે ધૂમ્રવત્ પ્રેત એણેજ આકૃતિરૂપે આહુત કર્યાં હતાં તે હવે ખરેખરાં હોય તેમ એને પોતાને હસવા લાગ્યાં. ને એને ડરાવવા લાગ્યાં ! જેથી એના આખા શરીરને આંચકો લાગી ગયો. અને પરસેવાના જેબેજેબ વછૂટ્યા. ઘણા પ્રયત્નથી એ જવાને આ મહા ભયમાં સાવધાની ઠેકાણે આણી. પેલા આવેલા સત્ત્વ તરફ પોતે ગયો, તેની દૃષ્ટિનો પ્રપાત સહન કરી રહ્યો, ને દૃઢ શબ્દે તેને પૂછવા લાગ્યો કે તું શા માટે આમ કરે છે ? — એમ તેના સામર્થ્યનો એ તિરસ્કાર કરવા લાગ્યો.

અને એમ થતાની સાથેજ જેમ કોઈ ઉંડા ભોંયરામાંથી પવનનો પ્રતિઘાત સંભળાય તેમ તેનો શબ્દ સંભળાયો. તેણે શું કહ્યું, શું શું પ્રકટ કર્યું, તે બધું મોઢે કહેવાની કે કલમે લખવાની રજા નથી. પેલા દિવ્ય રસાધનના પાનથી જે શરીરને સૂક્ષ્મ જીવિતનો લાભ થયો ન હોય તે શરીર આ મહા ભયનાસમયે ચૂરા થઈ ગયા વિના રહ્યું ન હોય. સ્મશાનમાંના ભૂતપ્રેતની સામા થવું, કે પિશાચોના અતિ બિભત્સ આનંદોત્સવનાં ભય સહન કરવાં, અને રક્તવસામાંસચર્મઅસ્થિના કીચડમાં પડ્યા પડ્યા તે બધું સહેવું, એ સર્વ — અવગુંઠન દૂર કરી સ્પષ્ટ દૃષ્ટિએ આણેલી એ અનામિક સત્ત્વની આકૃતિને જોવી અને તેનો સાદ સાંભળવો તેના કરતાં લાખ દરજ્જે સારૂં કહેવાય.

* ** **


* ** **