પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૭
બે મિત્ર.

તરફ આ પ્રયાસ ચાલતો રહ્યો તેમ બીજી તરફથી પોતાના ગૃહસુખ માટે પોતે પરણવાનો પણ યોગ સાધ્યો, પોતે ઉંચા કુલનો હતે છતાં પહેરામણીની લાલચે એણે અયોગ્ય સંબંધ બાંધ્યો નહિ. રામલાલ પૈસાનો લોભી હોવા કરતાં દુનિયાંદારીના ડહાપણનો ચહાનાર વધારે હતો. એને પ્રેમના કોઈ કલ્પિત ભાવ ઉપર આસક્તિ ન હતી. એના ડહાપણ પ્રમાણે એને એમ સ્પષ્ટ ખાતરી હતી કે જે ગૃહિણી કરવી તે ખરેખરી સહચરીરૂપ થાય તેવી કરવી, એક કલ્પિત પ્રેમના વેપારના સટ્ટાના સાધનરૂપ ન વહોરવી — કાન્તિ કે તીવ્ર બુદ્ધિની એને દરકાર ન હતી. પણ તંદુરસ્તી અને ખુશમીજાજ તથા કામ પડતી અક્કલ એજ એને જરૂરનાં લાગતાં હતાં. અર્થાત્ એણે પોતાની બુદ્ધિના તર્કને અનુસારેજ પત્ની આણી. પ્રેમના પ્રભાવથી તણાઈને પસંદગી કરી નહિ. એની નાતમાં મહોટી ઉમ્મરની કન્યાઓ મળવી સુલભ હતી; એટલે આ પ્રમાણે કરવામાં એને કશી હરકત પણ પડી નહિ. પ્રારબ્ધયોગે એની પસંદગી નીવડી પણ ફતેહવાળી. રામલાલની વહુ બહુ સારી યુવતી હતી — ધાંધળીએણ વ્યવસ્થા રાખનારી, કરકસરવાળી, પણ પ્રેમાલ અને ભલી હતી; જરા મનસ્વી હતી, પણ કપરી ન હતી, ગૃહિણીનો હક કોઈ ઘરમાં કેટલો જોઈએ તેની તેને બહુ દૃઢભાવના હતી, અને સુખ સાથી પેદા થાય તેના વિચાર તેના મનમાં પ્રધાન હતા. પોતાના પતિને જો બીજી ઉપર નજર સરખી કરતાં દેખે તો તેને જરા પણ માફ કરતી ન હતી, પણ તેના બદલામાં પોતે બહુ ઉત્તમોત્તમ નીતિને માર્ગે ચાલતી. પરપુરુષ સામું જોવું, કે ઠઠ્ઠા મશ્કરી કરવી, કે વાતો કરવી, એ બધી વાતો જે અતિ જુજ હોવા છતાં ઘણાક ઘરમાં ભારે સળો દાખલ કરી દે છે અને અસ્થિર મનની સ્ત્રીઓને મહા કષ્ટના ખાડામાં દોરી જાય છે તેને એ બહુ જ ધિક્કારતી. છતાં પણ પતિનામાંજ આખું હૃદય રોકવું એ વાતને તે પસંદ કરતી નહિ — પોતાનાં માતાપિતા, ભાઈભાંડું, કાકા, મામા, માસી, મિત્રો સર્વને માટે થોડો થોડો પ્રેમ બાકી રાખતી. મતલબ કે તે સગાંસવાદીએણ પણ પૂરી હતી; અને એવા સંબંધો કાયમ રાખવામાં કદાપિ રામલાલ ન હોય ત્યારે લાભનો સંભવ વિચારી બહુ કાળજી રાખતી. ખાવા પીવાનું પણ બહુ સારી જાતનું તેને ગમતું, અને શક્તિ પ્રમાણે તેમ રાખી શકાય એમ પણ હતું. તેનો સ્વભાવ એક સરખોજ રહે. પણ ક્વચિત્ રામલાલને એક બે સપાટા મારવા હોય તો ચૂકે તેમ ન હતું. રામલાલે ચોખે પગે ગાદી ઉપર બેસવું એ વાતની તેને બહુ કાળજી રહેતી કેમકે ચાદરો વારે વારે ધોવરાવવાથી ખરચ બહુ થતું ને લુગડાનો આવરદા ઓછો