પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૦
ગુલાબસિંહ.

ભેટ્યા. તુરતજ રામલાલે પોતાની પત્નીનું લાલાજી સાથે વધારે ઓળખાણ કરાવ્યું, અને તેણે બહુ ગંભીર વદને જરા સ્મિતપૂર્વક, પણ પોતાના પતિને લાલાજીના હાલ હવાલ ઉપર ઈશારો મારતે મારતે “તમે આવ્યાથી અમે બહુ રાજી થયાં” એમ કહ્યું.

રામલાલથી છૂટ્યો તે પછીથી તો લાલાજી કેવલ બદલાઈ ગયો હતો. વર્ષ તો માત્ર બેજ થયાં હતાં પણ એના ગોરા વદન ઉપર જરા શ્યામતા આવી ગઈ હતી આકૃતિ વધારે પાકી થઈ હતી. આનંદી તારુણ્યના તેજને સ્થાને વદને ઉપર કરચલીઓ આવી ગયેલી હતી, અને ચિંતા, ગાઢ વિચાર, કે દારૂબાજી અને ઈશ્કનાં લક્ષણ સૂચવતી હતી. એક વારની અતિ વિનય અને વિવેકવાળી રીતભાતને સ્થાને અત્યારે આકૃતિ, વાણી, અને વ્યવહારમાં કોઈ વિલક્ષણ પ્રમાદ દર્શન દેતો હતો ને એ ઉપરથી સભ્ય લોકો જેવો આચાર પાલે તેવા આચારની કશી દરકાર ન કરનાર મંડલમાં લાલાજી રહ્યો હોય એમ અનુમાન થઈ શકતું હતું. છતાં પૂર્વે ન જણાયલી એવી કોઈક વિચિત્ર ઉદારતા એના આખા દેખાવથી પ્રતીત થતી હતી, અને એના પ્રમત્ત વચન તથા ચેષ્ટાને કોઈ અપૂર્વ ભવ્યતા અર્પતી હતી.

રામલાલ ! ત્યારે તું તો ઠેકાણે પડ્યો ! તને ઠીક પડે છે એ તો પૂછવા જેવું નથી. ગુણ, અક્કલ, પૈસા, અને ચારિત્ર એટલાંને સુખ મળવુંજ જોઈએ.”

લાલાજી ! વાળુ માટે ચાલશો !” શેઠાણીએ ધીમેથી પૂછ્યું.”

“ના — મને ભુખ નથી — હું અને રામલાલ સમજી લેઇશું, રામલાલ ! લાવ, શીશો મંગાવ — મારાં ભાભીની આપણે કશી ફીકર નથી — એમની માફ માગી આપણે મોજ કરીશું.”

રામલાલની વહૂ તો મનમાં હરિ હરિ કરતી અંદરના ઓરડામાં જઈને સૂઈજ ગઈ. રામલાલ ઉત્તર આપે તે પહેલાં તો લાલો ચોતરફ જોઈ બોલ્યો “ અહો ! છેવટે કોટા સુધી હું આવ્યો ! અહીં તો મને નીરાંત વળશેજ.”

“ત્યારે લાલા ! તું માંદો પડ્યો હતો કે શું ?”

“માંદોજ તો — હં હં હં — ઘર બહુ સારું છે, રામલાલ ! મારા જેવાને પડી રહેવા જેવી ઓરડી બોરડી છે કે નહિ ?”

રામલાલે બે ચાર હોકારા પાડ્યા પણ શેઠાણી તો બહાર આવ્યાં નહિ — લાલાજીએ કહ્યું “મારી શરમ રાખવાનું કારણ નથી ” પણ ઉત્તર મળ્યું નહિ — રામલાલનો મિજાજ છેક ખશી ગયો.