પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૫
અંબિકા.

પ્રકરણ ૪ થું.

અંબિકા.

લાલાજીનો વ્યવહાર આ રીતે નિરંતર એક પ્રકારના જ્વરની ગાંડાઈમાં જેમ તે દોડા દોડ કરતો હોય તેવો હતો; નિયમિત કાર્યપરાયણતા જેવું તેમાં કશું ન હતું, આવી ક્ષુબ્ધ અને ચંચલ સ્થિતિમાંથી તેને જાગ્રત્‌ કરે એવું કોઈ આ સમયે આવી મળ્યું. તેના આવવાથી લાલાને બહુ સુખ થયું. એની એક નાની બહેન એની કાકી પાસે રહેતી હતી. નાનો હવે ત્યારે લાલાજી આ બહેનને ઉત્તમોત્તમ પ્રેમથી ચહાતો હતો. માતપિતાના મરણથી એકલી પડેલી આ બાલા પોતાની કાકી સાથે રહેતી હતી; પરંતુ તે પણ હાલ મરી ગઈ એટલે એને કોઈનો આધાર રહ્યો ન હતો. તેણે પોતાના ભાઈને કોટા સુધી આવ્યો જાણી એક ઘણું દયા ભર્યું પત્ર લખ્યું જે વાંચી લાલાની આંખમાં આંસુ આવ્યા અને અંબિકા પોતા ભેગી આવીને રહી ત્યાં સુધી તેને શાન્તિ વળી નહિ.

અંબિકાનું વય આ વખતે આશરે અઢારેક વર્ષનું હતું, પણ હજુ તેને યોગ્ય વર મળ્યો ન હતો. એટલીજ વયે એના ભાઈમાં જે છટકેલા જેવો સ્વભાવ અને ઉગ્ર ઉત્સાહ જણાતાં હતાં તે આ બાલામાં ન હતાં એમ નહિ પણ તેની બાહ્યાકૃતિ બહુ શાન્ત અને સરલ હતી એટલે તે બહાર પડી આવતાં ન હતાં પરંતુ આ છટકેલાપણું અને આ ઉત્સાહ એના ભાઈમાં જે પ્રકારનાં હતાં તે કરતાં અતિ વિશુદ્ધ અને ઉત્તમ પ્રકારના આ બાલિકામાં હતાં એમ કહેવું જોઈએ. એનામાં એના ભાઈ કરતાં વિલક્ષણ ગુણ બહુ ભયશીલ પ્રકૃતિનો હતો, પણ તેને કોઈ અપૂર્વ પ્રકારની આત્મસંયમની શક્તિથી તે વશ રાખી શકતી હતી. અંબિકા કાંઈ કાન્તિવાળી ન હતી; એનાં વર્ગ અને આકૃતિ બહુ નાજુક તંદુરસ્તીનાં સૂચક હતાં, નાડીઓના અતિ સૂક્ષ્મપણાને લીધે એના મનદ્વારા એના શરીર ઉપર બહુ નાની નાની વાતોની પણ તુરત મહોટી અસર થયાં જતી. પરંતુ પોતાનાં દુઃખનો વિલાપ કરવાની તેને ટેવ ન હતી. કોઈ વિચિત્ર પ્રકારની ઉદાસીનતાથી એનો સ્વભાવ નિરંતર બહુ શાન્ત હશે એમ જણાતું, એટલે એને પોતાનાં દુઃખ પોતાના મનમાં જ ખમી કાઢવાની એવી ટેવ પડી ગઈ હતી કે તેવાં દુઃખને છુપાવવાનો એને પ્રયાસ પડતો નહિ, એનામાં કાન્તિ હતી નહિ, પણ એનું વદન પ્રેમ પ્રેરે તેવું અને આનંદે પમાડે તેવું હતું,