પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૬
ગુલાબસિંહ.

એના સ્મિતમાં કોઈ અપૂર્વ આર્દ્રભાવ રહેલો હતો, એના મનની સર્વને સંતોષવાની ઈચ્છામાં કોઈ ઉત્તમ સ્વાર્પણ દર્શન દેતું હતું, એ બધાથી સામા માણસના હૃદયમાં પ્રેમનો પ્રત્યાઘાત થયા વિના રહે નહિ.

આવા સ્વભાવ અને ગુણવાળી પોતાની આજ સુધી ન ગણકારેલી ભગિનીને સપ્રેમ આવકાર આપવામાં લાલાજીને બહુ સંતોષ અને સુખનું સાધન મળ્યું. અંબિકાએ લાંબો વખત પોતાની કાકીનો મંદવાડ સાચવવાના કામમાં ગાળ્યો હતો એટલે એના ભાઈનો સુખકર પ્રેમ હવે એને બહુ રમણીય લાગતો હતો. આ યુવતી પણ બીજા વધારે ઉત્કટ પ્રેમભાવથી મુક્ત હોઈ, પોતાના હૃદયનો આખોએ ભાવ એકના એક ભાઈ ઉપરજ આપવા લાગી. રાતદિવસ એના મનમાં પોતાના ભાઈના પ્રેમનો બદલો વાળવાના વિચાર ઘોળાયા કરતા. એના બુદ્ધિવૈભવનું પોતાને અભિમાન હતું, એના સુખમાં પોતે સુખી હતી, જે નાનામાં નાની વાત પણ એને સુખી કરી શકે તેવી હોય તે પોતે મહોટામાં મહોટી કરી માનતી; –ટુંકામાં, દીર્ઘકાલથી સંચિત એવો ઉત્કૃષ્ટ અને અતિ વિશુદ્ધ પ્રેમભાવનો ભંડાર આ બાલાએ પોતાના પવિત્ર પ્રેમસ્થાનરૂ૫ આ ભાઈ ઉપર ખર્ચવા માંડ્યો.

પરંતુ જે ઉછૃંકલ વ્યવહારોમાં લાલાજીએ આજ પર્યંત પોતાનો સમય ગુજારવાનું સાધન શોધી લીધું હતું તેમાંથી જેમ જેમ તે વધારે મુક્ત થતો ગયો તેમ તેમ તેની શાન્તિનો સમય વધારે વધારે શોકમય થતો ચાલ્યો. એકલા રહેવામાં એને બહુ ભય લાગતું; પોતાની નવી સખી દૃષ્ટિથી દૂર થાય તે એને ગમતું નહિ — એની સાથે જ પોતે ફરતો હરતો, ખાતો પીતો અને છેક મધ્યરાત્રીએ જ્યારે એકલા સૂવા જવું પડે ત્યારે પણ મહા કષ્ટે જઈ શકતો. ઘણીવાર મરણ સમાન શાન્તિનો થોડો સમય ભોગવ્યા પછી તે એકાએક ચમકી ઉઠતો, ચોતરફ ગભરાટથી જોવા લાગતો, અંગ ધ્રૂજવા લાગતાં, હોઠનો રંગ ઉડી જતો, પાંપણોથી પરસેવાનાં ટીપાં પડતાં. અંબિકાને ખાતરી થઈ કે કોઈ પ્રકારનો ગુપ્ત શોક લાલાજીના હૃદયને ફોલી ખાય છે. એણે નિશ્ચય કર્યો કે મારે ગમે તે પ્રકારે એના વિશ્વાસને પાત્ર થઈ એને દિલાસો આપવા યત્ન કરવો. માણસના મનની સૂક્ષ્મ વૃત્તિઓ સમજવામાં ચતુર એવી તે બાલા સહેજે ચેતી ગઈ કે મને લાલાના શોકાર્ત દર્શનથી કાંઈ થાય છે અથવા હું તે વાત જાણું છું એ વાત એને પસંદ પડતી નથી. આટલા માટે અંબિકાએ કદાપિ પણ પોતાના ભાઈને ખરી વાત પૂછી નહિ, હળવે હળવે