પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૭
અંબિકા.

એવો ઘાટ આણ્યો કે તે પોતેજ વિશ્વાસથી બધુ કહે. પોતાની વિલક્ષણ સ્થિતિમાંજ ગુંચવાઈ ગયેલો લાલાજી અન્યની વૃત્તિનું યથાર્થ નિરીક્ષણ કરી શકતો નહિ એટલે અંબિકાના ઉદાર અને સ્વાર્પણરૂપ પ્રેમભાવને કોઈ સ્વાભાવિક ધૈર્યરૂપે દેખતો, ને એ ગુણ તેનામાં છે એમ જાણી પોતે પણ ધીરજ વાળતો. જેને પોતાના વિશ્વાસપાત્રરૂપે મનના વ્યાધિથી પીડાતાં મનુષ્યો પસંદ કરે છે તેનામાં મુખ્ય ગુણ ધીરજનોજ તે શોધે છે. ખરેખર, પરસ્પરથી વાત કરી હૃદયનો ભાર ઓછો કરવાની ઈચ્છા કેવી પ્રબલ છે ! એ નિર્ભાગી માણસ વારંવાર એમ ધારતો કે એક વાર જો કોઈને બધી વાત કહેવાય તો હૃદયનો ભાર બહુ ઓછો થાય. એમ પણ એને ખાતરી હતી કે જવાન, અનુભવી, અને રસમય, તરંગી પ્રકૃતિની અંબિકા, કોઈ અનુભવી અને વ્યવહાર નિપુણ કઠોર મનુષ્ય કરતાં મારી વાત સાંભળવા તથા તેમાં મને સહાય થવી વધારે યોગ્ય છે. રામલાલ આવી વાતને ગાંડા મગજનો લવારોજ ગણત, ઘણાક બીજા માણસો પણ ‘મંદવાડની લવારી’ એ નામથી જ તે વાતોને ઉડાવત. આ રીતે ધીમે ધીમે પોતાના મનને ઈષ્ટ એવો વાત કહી દેવાનો પ્રસંગ લાવવા ઉપર લાલાજી આવ્યો. એ પ્રસંગ આ પ્રકારે થઈ આવ્યો.

એક સાયંકાલે ભાઈ બહેન બેઠાં હતાં, અંબિકા જેનામાં પણ તેના ભાઈની બુદ્ધિનો અંશ હતો તે કાંઈક ચિત્ર આલેખવામાં લાગી હતી. લાલાજી નિત્ય કરતાં ઓછા ગ્લાનિમય વિચારમાં વ્યસ્ત હતો, ત્યાંથી એકાએક ઉઠ્યો અને પોતાની ભગિનીનો બરડો ઠોકી બોલ્યો “બહેન ! શું કરે છે !” એમ કહેતાં નીચો નમી ચિત્રપાટી ઉપર નજર નાખતાંજ ચમકી ઉઠ્યો, પાટી અંબિકાના હાથમાંથી એણે ખેંચી લીધી; — “આ શું કરે છે ? — કોનું આ ચિત્ર છે !” એમ બોલવા લાગ્યો.

“પ્રિય ભાઈ ! તમે આ ચિત્રની મૂલ આકૃતિને ઓળખતા નથી ? આપણાં માતુશ્રી કહેતાં કે આપણા ઘરમાં, સિદ્ધિને પામેલા આપણા પૂર્વજની જે પ્રતિકૃતિ છે તે તને બહુ મળતી આવે છે. એ પ્રતિકૃતિ ઉપરથી આ ચિત્ર હું આલેખું છું. મને જેવું સ્મરણ છે તેને આધારે હું જો આ ચિત્ર તૈયાર કરૂં તો તેથી તને આનંદ આવશે એમ હું ધારૂં છું.”

“બળ્યું એ ચિત્ર અને બળ્યું મળતાપણું ! તું જાણતી નથી કે હું આપણા પૂર્વજોના ઘરમાં આવવાનું શાથી ઈચ્છતો નથી. કારણ એજ છે કે એ ચિત્ર જોવાથી મને ભય લાગે છે — કારણકે; — ક્ષમા કર — તું બીહીશ નહિ.—”