પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૮
ગુલાબસિંહ.


“નહિ નહિ ભાઈ ! કાંઈ બીહીતી નથી. તું બોલે છે ત્યારે મને કશી ભીક નથી લાગતી. ઉલટો તું ચૂપ થઈ પડી રહે છે ત્યારે લાગે છે, તને જો મારા ઉપર વિશ્વાસ આવતો હોય, તું જો મને તારી સર્વ વાત કરી નિશ્ચય કરવા દેતો હોય, તો કેવું ઠીક થાય !”

લાલાજીએ કશું ઉત્તર આપ્યું નહિ, પણ લથડતે પગલે ઓરડામાં આમ તેમ ફર્યા કર્યું. છેવટે ઉભો રહ્યો અને પોતાની બહેન તરફ આતુર દૃષ્ટિથી જોઈ બોલ્યો “બરાબર છે, તું પણ તેનાજ વંશમાં જન્મેલી છે, તું કાંઈ મારી મશ્કરી કરવાની નથી, મારું નહિ માને એમ કરનારી નથી. સાંભળ ! સાંભળ ! એ શું થયું !”

“કશું નહિ ભાઈ ! વા આવ્યો તેથી નળીયું ખસ્યું–બીજું કાંઈ નથી.”

“બહેન ! તારો હાથ મારા હાથમાં આપ; મારી પાસે સજીવ, સચેત, કોઈ છે એમ મને નીરાંત વળે. જો સાંભળ, સાંભળ્યા પછી કોઈ સમય પણ એ વાત ફરી સંભારીશ નહિ. કોઈને કહીશ નહિ — પ્રતિજ્ઞા કર કે આપણે બેજ તે વાત જાણીએ — મુએ આપણા ભેગીજ તે બળે.”

“તારા વિશ્વાસનો ખોટો બદલો કદાપિ હું નહિ વાળું — હું પ્રતિજ્ઞા કરીને કહું છું — કદાપિ કોઈને નહિ જણાવું” એમ કહેતી અંબિકા એની પાસે અડીને બેઠી. પછી લાલાજીએ પોતાનો ઈતિહાસ શરૂ કર્યો. લખાણમાં ઉતારવાથી જે વાત, વિશેષ કરી શંકા અને પ્રશ્ન કરી બધુ ન માનવાની જ વૃત્તિવાળાં મનને, કેવલ બિભીષિકારહિત અને સાદી જેવીજ લાગે, તે જ્યારે લાલાજીએ સૂકે હોઠે અને ભયભીત વદને તેમજ સાક્ષાત્ કષ્ટાનુભવજન્ય જે સરસતા શ્રોતાને તુરત પ્રત્યત કરાવી સભય કરવા સમર્થ થાય છે તે સમેત, કહી બતાવી, ત્યારે તે કેવલ જુદીજ રીતિની લાગી. વાત કહેતાં લાલાજીએ અમુક ભાગ છુપાવી રાખ્યા. ઘણાક ભાગનું તેણે સહજ રીતે જ અન્યથાલાપન કર્યું, છતાં તેના ફીકા પડી ગયેલા અને થર થર કાંપતા શ્રોતાને તાદૃશ ભાવ સમજાય તેટલું તો તેણે કહ્યું. લાલાજીએ છેવટ આણતાં કહ્યું “પ્રાતઃકાલ થતાંજ એ વિષમય સ્થાનથી હું નીકળ્યો. મારા મનમાં હજી એક આશા રહેલી હતી — હું ત્સ્યેન્દ્રને ગમે ત્યાંથી પકડી કાઢીશ, આવા આશયથી હું શહેર શહેર ભમતો ચાલ્યો, ઠામ ઠામ રાજાની, અમાત્યની, ઉમરાવની, મદદ લેતો ને તપાસ કરાવતો, ક્વચિત્‌ આચાર્યો, મહંતો આદિના ગુપ્ત શિષ્ય સેવકાદિ દ્વારા શોધ કરતો; હું ચાલ્યો પણ ત્સ્યેન્દ્રનો ગંધ સુધાંતે હાથ આવ્યો નહિ. આ બધો સમય