પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯
ગુલાબસિંહ.

જરૂરનો છે. સરદાર પોતાનું ગાન કે કાવ્યરચના મરજી છતાં પણ મધ્યાન્હે કરી શકતો નહિ. એવાં કેટલાંક ઝરણ થાય છે જે પ્રાતઃકાલ અને સાયંસંધ્યા સમયે ભરપૂર વહે છે, રાત્રીએ ઉભરાઈ જાય છે અને મધ્યાન્હે સુકાઈ જાય છે. સરદારની બુદ્ધિ પણ એવી હતી. સરદાર આ પ્રમાણે વિશ્રામ લેતો તે વેળે એની સ્ત્રી ઘરકામને માટે જરૂરનો સામાન સરંજામ વોહોરવા સારું બહાર નીકળી જતી, અથવા તો જેમ સર્વે સ્ત્રીઓ કરે છે તેમ પોતાની કોઈ સહીઅરો સાથે વાતચીત કરવા જઈ બેસતી. જે આનંદની રાત્રી ગઈ તે પછીના મધ્યાન્હે તો વળી આ બીચારીને કેટલા કેટલા લોકનાં અભિનંદન પણ સાંભળવાનાં હોય !

આવા પ્રસંગોએ મા પોતાના ઘરની બહારની ઓસરીની છાયામાં બેસતી. આજે તો પોતાના પિતાનું પુસ્તક ખોળામાં મૂકી તે ઉપર આમ તેમ નજર કરતી બેઠી છે, એની પાછળ સુગંધમય જુઈના વેલા એક ઉપર એક ગુંચળાં વળી ઝુકી રહ્યા છે, આગળ જમનાનો પ્રવાહ ઉપર ધોળા શઢવાળી નાની નાની હોડીઓ ઝુલી રહી છે; વિચારમાં નહિં પણ કોઈ જાતના તાનમાં ગરક થઈ ગઈ હોય તેમ મા બેઠી છે. તેવામાં સામેથી એક માણસ ધીમે પગલે અને નીચી નજરે ઘર આગળ થઇને ચાલી ગયો; મા પણ એકદમ ઉચું જોતાંજ પેલા પરદેશીને ઓળખતાની સાથે ગભરાટથી ચમકી ઉઠી. તેના મોંમાંથી સ્વષઃજ કાંઈક ઉદ્‌ગાર નીકળી ગયો તે પેલા માણસે સાંભળ્યો તેથી તે પાછો ફર્યો અને જોઈને ઉભો રહ્યો. પ્રેમવૃત્તિ કરતાં જરા વિશેષ ગંભીર વદનથી તે માણસ આ શરમાતી કુમારિકાના વદનને બે ચાર પલ સુધી નિહાળી રહ્યો, ને બોલ્યો.

“કેમ બાપુ !” તેણે કોઈ પિતા પોતાની પુત્રીને પૂછે તેમ પૂછ્યું “જે તારા નસીબમાં લખ્યું છે તેથી તેને સંતોષ છે ? સોળથી તે ત્રીશ સુધીમાં તો તારા ગલામાંથી નીકળતું સારામાં સારું ગાન જેવું મીઠું લાગે તે કરતાં પણ પારકા લોકે કરેલાં વખાણ વધારે મીઠાં લાગે છે !”

મા ભાગે તૂટે શબ્દે બોલી : “હું જાણતી નથી,” પણ જે શબ્દો પોતાના કાનમાં પડ્યા તેની મૃદુતાથી ધીરજ પકડીને કહેવા લાગી કે “હું જાણતી નથી. જે હું હાલ સંતોષમાં છું કે નહિ, પણ કાલ રાત્રીએ તો જરૂર હતી. અને મારા કદરદાન મુરબ્બી ! મને એમ પણ લાગે છે કે મારે ઉપકાર પણ તમારોજ માનવાનો છે, જોકે તમે તો ભાગ્યેજ જાણતા હશો