પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૦
ગુલાબસિંહ.

પૂજન ચાલતું હતું, અને દારુબાજી, મશ્કરી તોફાન, કશાની બાકી ન હતી. સર્વે ભાન ભુલીને ગમે તેમ લવતા હતા. ટુંકામાં ભૈરવીચક્રની બધી લીલા સંપૂર્ણપણે વિસ્તરી રહી હતી, તેવામાં ધીમે ધીમે વાત ઉપર વાતના ટપ્પા ચાલતે ચાલતે, મુસલમાનીનાં જે વાદળાં આર્યભૂમિ ઉપર ઝઝુમી રહ્યાં હતાં તેની વાત નીકળી, દારૂડીઆઓને એમજ લાગ્યું કે આ ધર્મચુસ્ત રાજાઓ કરતાં તે સારા પડશે, કોઈને કશી અડચણ રહેશે નહિ, નાત નહિ–જાત નહિ–વટાળ નહિ–બધુ એકાકાર ! છાનાં છાનાં ભૈરવીચક્રને બદલે પ્રસિદ્ધ એક ભૈરવીચક્રમાં सर्वे वर्णा द्विजातयः થઈ રહેશે ! વાહ એ આનંદ ! એ છૂટ ! એ મઝા ! મારા મનમાં પણ આવા તર્કનો તરંગ જોસભેર ભરાયો, અને આગળ બંદાએ મારા આગળ ચિંત્રેલાં સ્વપ્નને તે તુરંગને ખરા તેજમાં આણી મૂક્યો. આવી રમુજ ચાલી રહી છે, સર્વેના મોંમાં હોંકારા ને કીકીઆરી, હાહાહા, ને હીહીહી જામી રહ્યું છે, કલ્પિત આગામી સુખના તોરમાં બધા તણાય છે, તેવામાં એક જણે મારા કાનમાં કહ્યું ‘એક માણસ કોઈ બાતમીદાર હોય તેવો જણાય છે, ને તમારા ઉપર વધારે ધ્યાન આપી રહ્યો છે, વિચારીને વાત કરજો.’

“તુરતજ મારી આંખ પેલા કહેનારની આંખની ઈશારતને અનુસરી પેલા અજાણ્યા બાતમીદાર ઉપર પડી તો મને જણાયું કે એ માણસ આ બધા તોફાનમાં કશો ભાગ લેતો નથી. તેનો વેષ પણ બધાંની પેઠે બદલેલો છે, છતાં એ ક્યારે અંદર આવ્યો તેની કોઈને ખબર હોય એમ મને લાગ્યું નહિ. એના મૌનથી બધાને ભય લાગ્યું હતું – મને તો વધારે તાન આવ્યું. બધાંએ ઈશારા કરવા માંડ્યા પણ તેની કશી દરકાર કર્યા વગર મેં તો હાંક્યાંજ કર્યું; એટલે સુધી હીંમત કરી કે તે માણસની પાસે જઈને હું તેને જ બધી વાત કહેવા લાગ્યો અને તેમ કરવામાં એવો લીન થઈ ગયો કે બીજા બધા એક પછી એક બહારની ધર્મશાલામાં નીકળી ગયા તેની પણ મને ખબર રહી નહિ – મેં વાતોના તોરમાં કહ્યું :—”

“કેમ મહેરબાન ! જે વખતની આપણે આશા રાખીએ છીએ તેના વિષે તમારો શું વિચાર છે ? ગમે તેમ આચાર ! ગમે તેમ વિચાર ! સ્વચ્છંદ પ્રેમ ! સ્વતંત્ર આનંદ !”

“એમ હું ચલાવતો ચલાવતો અચકાયો કે તેણે કહ્યું ‘ચેતન વિનાનું જીવન.’ પણ એટલા શબ્દ સાળળતાંજ મારા ઉપર જાણે વીજળી પડી હોય એવો મને ઝપાટો લાગ્યો, કેમકે એ સ્વર મેં ઓળખ્યો; તુરતજ તેની પાસે જઈ મેં કહ્યું.”