પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૨
ગુલાબસિંહ.

મારા મોક્ષનો માર્ગ ત્યાં રહી નીરાંતે સાધી શકીશ. આવી લાલસાથી હું અત્ર આવ્યો, અત્ર પણ કૃત્રિમ વ્યવહારો અને સ્વાર્થી પ્રપંચોમાં મને તેવો ને તેવોજ આનંદ પાછો લાગવા માંડ્યો. ભૂત જણાતો નહિ, પણ મારા મનમાં જે ભવ્ય આકાંક્ષાનાં બીજ ગૂઢ રોપાયેલાં તે વારંવાર મને એનું એજ પ્રેરવા લાગ્યાં કે તું કોઈ મહત્તમ કાર્ય માટે સર્જાયલો છે, આ ગમતો તારે માટે નથી. ભવ્ય વાસના મને નિરંતર દમતી, પણ વ્યવહાર આવા ગમતા. તેનું કારણ એજ હતું કે ભવ્ય વાસનાને અનુસારે જેમ હું ઉત્તમોત્તમ માર્ગ લેવા જાઉં તેમ તેમ અત્ર, તત્ર, સર્વત્ર, કાલ અંધકારમાં પણ, પેલા રાક્ષસનાં નેત્રનો અગ્નિ મારા ઉપર વર્ષતો, અને મને કેવલ બેહાલ કરી મૂકતો.” આટલું કહી લાલાજી અટક્યો તે સમયે એની ભમર ઉપર પરસેવાનાં ટીપાં ઠર્યાં હતાં.

અંબિકાએ કહ્યું “મારા પ્યારા ભાઈ ! હું મારા જીવિતનો તનેજ ભોગ આપીશ — તારા વિના બીજું મારે કોઈ નથી, કરવું નથી. આવા શુદ્ધ દિવ્ય પ્રેમમાં તારૂં ભય વિલીન થઈ તને સુખ થશે.”

“જરા નહિ, લગાર પણ નહિ, વ્હાલી બહેન ! જે ન કહેવાનું તેજ હવે કહું છું. જ્યારથી તું અત્ર આવી છે — જ્યારથી મેં, આ પિશાચ જ્યાં મને નડે નહિ તેવાં સ્થાનમાં જવાનું બંધ કર્યું છે, — ત્યારથી મેં — મેં — તેને —ઓ દૈવ ! આ તે ઉભો — તારી પાસેજ — સોડમાં —” એમ કહેતાં બેભાન થઈ લાલો ભોંય ઉપર પડ્યો.

પ્રકરણ ૫ મું.

રક્તબીજની બેહેન.

ત્રિદોષ સાથે અતિઉષ્ણ જ્વરના તાપમાં લાલાજી ઘણા દિવસ સુધી ભાન વિના પડી રહ્યો અને જ્યારે તેના ઉપચાર કરતાં અંબિકાની સચિંત અને સપ્રેમ આશ્વાસનાથી તે સારો થયો ત્યારે તેને પોતાની ભગિનીના અંગ ઉપરનો વિકાર જોઈ મહા ખેદ અને ભય પેદા થયાં. પ્રથમ તો એને એમ લાગ્યું કે મારી પથારી આગળ બેસી રહી ઉજાગરા કરવાથી અસ્વસ્થ થયેલી એની પ્રકૃતિ સહજમાં સુધરી જશે, પણ થોડા જ સમયમાં એને સમજણ પડી કે અંબિકાને કોઈ ઉંડો વ્યાધિ વળગ્યો છે. ધન્વંતરી અને અશ્વનીકુમારથી