પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૯૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૩
રક્તબીજની બેહેન.

પણ સાધ્ય ન થાય તેવો કોઈ વિષમ ઉપદ્રવ થયો છે. અંબિકાની કલ્પના શક્તિ લાલાજીના જેવીજ તીવ્ર હતી એટલે લાલાજીએ પોતાનો જે વૃત્તાન્ત કહ્યો તેથી તેના ઉપર બહુજ અસર થઈ ગઈ હતી, ત્રિદોષ સમયના ઉન્માદમાં લાલાજીએ જે જે લવરી કરેલી તેથી એ બાલિકાને ત્રાસ થઈ ગયો હતો. 'લાલો વારંવાર એનું એ લવતો “ઓ ! પેલું રહ્યું, પેલું-પેલું-તારી પાસે”. જે પલિત પોતાને વળગેલું હતું અને જે ત્રાસનો પોતે ભોગ થઈ પડેલો હતો તે બધું લાલાએ પોતાની વહાલી ભગિનીની કલ્પનામાં સારી રીતે સ્થાપી આપ્યું હતું. આ વાતની લાલાને પણ ખાતરી થવા લાગી. અંબિકા જે બોલતી તેથી નહિ, પણ તે કશું બોલતી નહિ, હબકમાં તાકી તાકીને ગભરાટથી જોયાં કરતી, થર થર કાંપતી, ચમકતી, પાછું વાળીને જોવાની પણ તેને હીમત ન આવતી, તે બધાથી લાલાની ખાતરી થઈ. લાલાને બહુ પશ્ચાત્તાપ થવા લાગ્યો કે મેં આ વાત આના આગળ ક્યાં કરી ! એને વધારે એમ લાગી આવ્યું કે અહો મારાં પ્રાયશ્ચિત્તજન્ય દુઃખો ઉપર કોઈ માણસ દયા પણ ખાઈ શકે ને એમ મને જરા આશ્વાસન થાય તે પણ હવે રહ્યું નહિ ! બહેન ! મેં કહ્યું છે તે ખોટું છે, મારી વાત કેવલ ઉન્માદનો લવારોજ છે. એમ કહી કહી પોતાની ભગિનીનો વ્યાધિ દૂર કરવા લાલાજીએ મથવા માંડ્યું પણ વ્યર્થ !

લાલાને પણ આ પ્રકારે નિષેધ કરવામાં પેલા રક્તબીજ તરફથી ઓછી વેદના ન વેઠવી પડતી; પરંતુ પોતાની ભગિનીને માટે જે થાય તે કરવું એવો એનો નિશ્ચય હતો. જ્યારે જ્યારે લાલો એમ કહે કે “એ તો કાંઈ નથી.” “ઉન્માદ છે-કલ્પના છે,” ત્યારે ત્યારે એ રાક્ષસ તુરત એની બહેનની સોડમાં ઉભેલો જણાતો, અને લાલાનો ઉપહાસ કરતો હોય તેમ લાલાને પ્રત્યક્ષ થતો. પરંતુ આ વેદના કરતાં પણ વધારે હૃદયભેદક વેદના તો એ થઈ પડી હતી કે ધીમે ધીમે એની ભગિનીનો પ્રેમ એના ઉપરથી ક્ષીણ થતો જતો હતો; સ્વાભાવિક રીતે જ લાલાને દેખીને તે ભય પામતી, લાલો પાસે આવે કે ચમકતી, અને સ્પર્શ કરે તો થર થર કાંપતી. આખા જગતમાં કોઈ પણ ઠામ ઠરવા જેવું હોય તો લાલાને તો આટલું આ એકજ હતું; તે પણ હવે હજારો હાથ દૂર જવા માંડ્યું, તેની અને પોતાની વચમાં આ બીભસ સ્મરણરૂપ મહા સમુદ્ર આવી પડ્યો ! પોતાના જીવિતથી જેનું જીવિત ક્લેષમય થઈ ગયું હતું તેને પોતે હવે જોઈ શકતો ન હતો. તેથી ગમે તે બહાનાં શોધી કાઢી લાલાજી કોટામાંથી નીકળી ગયો. જતી વખતે “બહેન ! રામ, રામ,” એમ કહેવા