પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૪
ગુલાબસિંહ.

આવ્યો તે સમયે એની ભગિનીના મુખ ઉપર જે ઈષ્ટ આનંદની છાયા લાલાજીએ જોઈ તેથી એની ખાતરી થઈ કે મારી પોતાની કૃતિથીજ આ બિચારી મહા દુઃખમાં ફસાઈ છે. કેટલાક માસ સુધી લાલાજી આમ તેમ ઝળ્યો, કાશી જઈ આવ્યો, ગંગાસ્નાન કરી આવ્યો, પણ કશો આરામ પામ્યો નહિ. એવામાં પોતાના વતનથી કાગળ આવ્યો, એટલે તે તરફ જવું પડ્યું. ઘેર આવ્યો તો પોતાની બહેન ધાર્યા કરતાં પણ અતિ વિષમ દુર્દશામાં—મન અને તનની વિકટ સ્થિતિમાં–પડેલી છે એમ જોઈ બહુ શોક પામ્યો.

નિર્જીવ જેવી દૃષ્ટિ, મૃતવત્ શરીર, એ જોઈ લાલાને ત્રાસ ઉપજ્યો; કોઈ ચૂડેલ કે ડાકિનીએ ચૂશીને છેક ખોખું કરી નાખ્યું હોય એવી અંબિકાને જોઈ લાલાની આંખે ચોધાર આંસુ વહેવા લાગ્યા. કોઈ ઉન્માદ કે બુદ્ધિભ્રંશ, અંબિકાને થયો ન હતો; જાગતાંજ સ્વપ્ન થતું હોય, કોઈ વિલક્ષણ ભાવના પ્રત્યક્ષ ઉભી હોય, એવી તેના રોગની દશા હતી. જેમ જેમ રાત્રીનો સમય થતો ગયો, મધ્યરાત્રી આવતી ગઈ તેમ તેમ અંબિકા આમ તેમ તરફડવા લાગી, કોઈ મને સહાય થાઓ એમ કહેતી હોય એ રીતે ચોતરફ જોવા લાગી. એના હોઠ જરા ફફડવા લાગ્યા, હાથ લાંબા કરીને કોઈ મને બચાવો એમ કહેવા લાગી, ને જેવાં બાર વાગ્યાનાં ચોઘડીયાં ગગડ્યાં કે લાકડુ થઈને ધબ દેઈ પથારીમાં પડી, મોઢે ફીણ આવી ગયું, પગ તણાવા લાગ્યા, શુદ્ધિ ઉડી ગઈ નિત્ય આજ સમયે આમ થતું હતું. એ જ વખતે લાલાએ પોતાની વાર્તા અંબાને કહી હતી. કેટલીક ઘડી વીત્યા પછી, લાલાજીના અનેક ઉપચારનું તેને ભાન થયું, તે બેઠી થઈ, જરા બોલી, ને કહેવા લાગી કે ગમે ત્યાં હોઉં, ગમે તેવી સ્થિતિમાં હોઉં તે પણ આ સમયે નિત્ય એક ચૂડેલ મારી પાસે આવે છે, બારણાં ત્રણ વાર ઠોકીને અંદર પેસે છે. અને મોઢું બહુ વિકરાલ કરી આંખોમાં ક્રોધ આણી મારા સરસી આવે છે, અને પોતાનો હાથ મારે માથે મૂકી, બેસે છે; એ પછીનું મને ભાન રહેતું નથી; જાગ્યા પછી પણ મને એ રાંડના આવ્યાની ભીતિ રહે છે, ને કશું ચેન પડતું નથી.

લાલાના આવતા પહેલાં જે વૈદ્ય ઉપચાર કરતો હતો, તે બીચારો કોઈ સાધારણ ગાંધી હતો; અને તેણેજ આવો ત્રાસદાયક બનાવ જોઈ લાલાને તેડાવ્યો હતો. તે પોતે આ કામમાંથી મુક્ત થવા બહુ આતુર હતો. એટલે લાલાજીએ તેની સલાહ લેતાની સાથે જ તેણે કોઈ અનુભવી વૈદ્યને બોલાવવાની હા કહી. ગામમાં એક ઘણો કુશલ અને વૃદ્ધ વૈદ્ય હતો તેને બોલાવી લાવ્યા ને