પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૫
અમરશહર.

અંબિકાને દેખાડી, અને જે ચિત્તભ્રમ તેને થયો હતો તેનું વર્ણન કરી બતાવ્યું. વૈદ્યરાજ બીજે દિવસે બે ઘડી પહેલાં આવ્યા, લાલાજીની સંમતિથી એવી યોજના કરતા આવ્યા કે તે રાતે ચોઘડીયાં એક ઘડી વહેલાં વાગે. એ યોજના કરીને પોતે અંબિકા પાસે બેઠા, સારી માત્રા કાઢીને તેને પાઈ, અને છાતી ઠોકીને કહ્યું કે આજ ચોઘડિયાં વાગતાં જે કાંઈ થાય તો ધંધો કરવો મૂકી દેઉ, વૈદ્ય વાતચીત કરવામાં બહુ કુશલ હતો તેથી અંબિકા પોતે જાતે કલ્પેલા ભ્રમમાં ન પડે એવા ઉપચાર જે તેણે અત્યાર સુધી કર્યા હતા તેમાં આનંદ અને ઉપહાસ પેદા કરે તેવી વાતચીતનો પણ ઉમેરો કરવા માંડ્યો. ઘડી એક વીતી ને ચોઘડીયાં ગગડ્યાં. પણ કાંઈ થયુ નહિ. એટલે અંબા પાધરીક પોતાના ભાઈને ગળે વળગી પડી “ઓ પ્યારા ! ઓ ભાઈ ! ગઈ-હવે ગઈ–હવે ગઈ–હું જીવી, વ્હાલા ભાઈ ! તેં જીવાડી.” એ આનંદમાં વૈદ્યરાજે પણ વાત ઉપર વાત હાકવા માંડી અને સર્વે બહુ પ્રસન્ન થતાં બેઠાં છે ત્યાં એકાએક અંબા ઝબકીને ચમકી ઉઠી “હાય હાયરે ! જો-જો-ભાઈ !—આવી ” એમ કહેતી ચતાપાટ પડી ગઈ, ને શુદ્ધિહીન થઈ જઈ પગ ઘસવા લાગી, વૈદ્યરાજે અંબાને પોતાના ખોળામાં માથું મૂકાવી ગંભીર વદને કહ્યું “મને એમજ લાગતું હતુ, ગર્ભાશયમાં કાંઇક બગાડ છે. તેથી હૃદયના રક્તમાં બીગાડ થઈ ઉન્માદ થયો છે.” * *

બીજી રાત્રીએ એજ સમયે અંબિકા મરણ પામી.

પ્રકરણ ૬ ઠ્ઠું.

અમરશહર.

“અહો ! આનંદ ! આનંદ ! મારા જીગર ! મારા પ્રાણ ! — તારો હાથ, તારા અધર, પુન પાપ્તઃ થયા ! એટલું એક વાર કહે કે મારા ઉપરનો પ્રેમ બીજીને અર્પી તેં મને તજી ન હતી. બોલ, ફરી બોલ, નિત્ય તેનું તે બોલ — તો બાકીની બધી વાતની હું તો માફી આપી શકીશ.”

“ત્યારે તો તું મારે માટે શોચમાં પડી હશે ખરી !”

“શોચ ! – તું તો એમજ જાણતો હતો કે કાંઈ નહિ હોય ! તેં મને વાપરવા માટે સુવર્ણ આપવા જેટલું ઘાતકીપણું કર્યું ! પણ જો, — પેલું રહ્યું તે તારૂં સુવર્ણ, અસ્પૃષ્ટ, તેમનું તેમ !”