પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૧
પ્રેમનો ભોગ.

સ્વપ્ન થયું કે “ ગુલાબસિંહની પાસે છું, ને એની છાતી ઉપર માથું મૂકી સુતી છું. એ મારા ઉપર નજર કરે છે તેમ મારી વ્યથા ઓછી થતી જાય છે, એના હાથનો સ્પર્શ થતાં જ્વરમાત્ર શાન્ત પડી જાય છે. એનો મધુર સ્વર સાંભળું છું, વ્યગ્ર કલ્પનામય સત્ત્વમાત્ર એ શબ્દના મંત્રથી વિદૂર થઈ જાય છે. અહો ! મારા માથામાં જે ભાર લાગતો હતો તે ક્યાં છે ! ક્ષણમાં તે જતો રહ્યો ! વિશ્વની લીલા મને પુનઃ હસતી જણાય છે. સૂર્યનો પ્રકાશ આનંદ આપે છે, વન વૃક્ષોના ઉગતાં પત્રની વાતચીત પણ મારે કાને પડે છે. બધાં મને એમ કહે છે કે “ આવ હજી તારે અમારી સાથે રહેવાનું છે.”

રે મૂર્ખ ! જો ઘડીને સંભાળ, ઔષધિ અને ચિકિત્સાના વિચારમાં ફસાયલા પંડિત તમારી કારીગરી વ્યર્થ છે. એક ઘડી થઈ, બે થઈ, ને જે આત્માને આ સ્થાન તજી જવો નિર્માણ કર્યો હતો, તેજ સ્વસ્થ થઈ ઠરેલો જણાય છે ! રે ભર્તા ! ગાંડા ઘેલા પ્રિયતમ ! તારી પ્રિયતમાં જીવે છે; રે ! પ્રેમમસ્ત ! તારે આખું જગત્ હજી શૂન્ય નથી. થોભો:— હર્ષ, આનંદ ! પિતાજી તમારા બાલકને હાથમાં લઈ રમાડો.


પ્રકરણ ૨ જું.

પ્રેમનો ભોગ.

બાલક પિતાના ઉછંગમાં મૂક્યું ! તુરતજ કાંઈ બોલ્યા ચાલ્યા વિના પિતાએ નીચા નમી એક ચુંબન કર્યું—હર્ષાશ્રુ વહેવા લાગ્યાં ! અહો કેવાં માનુષ અશ્રુ— મહાત્માના નયનમાંથી પડ્યાં ! ગાલ ઉપર પડતા અશ્રુના પૂરમાંથી બાલકનું સ્મિત કેવું સુંદર લાગે છે ! અરે ! કેવાં આનંદાશ્રુથી આપણે નવા જીવને નિરાનંદે જગત્‌માં આવકાર આપીએ છીએ ! કેવાં શોકાશ્રુથી તેના ગમનને વિલોકીએ છીએ? આનંદ તો નિઃસ્વાર્થે જ; પણ જે શોક તે કેવો સ્વાર્થમય !

આ ક્ષણે અંધકારમય ઓરડામાંથી મિષ્ટ પણ ઝીણો સ્વર સંભળાય છે, બાલકની માતા બોલે છે. ગુલાબસિંહે ધીમેથી કહ્યું “પ્રિયે હું અહીંઆંજ છું, તારી પાસે છું.” માતાએ સ્મિત કરી પ્રિયતમનો કર પોતાના કરમાં દૃઢ ગૃહી મૌન આનંદમાં ત્રિપુટીનું ઐક્ય અનુભવ્યું.

********